પાણીની બોટલ અને બૂટ મળતા રહસ્ય ગહેરાયું, બે કલાકથી વધુ સમયથી ફાયર અને પોલીસની શોધખોળ ચાલુ
સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઝવેરીપુરા ગામ ખાતે આવેલા તળાવમાં એક અજાણ્યો ઇસમ ડૂબી ગયો હોવાની આશંકાએ ગામમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા તળાવ કિનારે ઉમટી પડ્યા હતા, જ્યારે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ પ્રાથમિક રીતે એવી માહિતી સામે આવી છે કે કોઈ વ્યક્તિ માછલી પકડવા માટે તળાવ પાસે ગયો હતો અને દરમિયાન પગ લપસતા પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ તરત જ સાવલી પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.

ફાયર વિભાગની ટીમ દ્વારા તળાવમાં સતત બે કલાકથી વધુ સમય સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, છતાં ગુમ થયેલા ઇસમનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.

સ્થળ પરથી પાણીની બોટલ અને બૂટ મળી આવ્યા હોવાથી અજાણ્યો ઇસમ તળાવમાં ડૂબી ગયો હોવાની આશંકા વધુ મજબૂત બની છે. જોકે હજુ સુધી ડૂબી ગયેલા વ્યક્તિની ઓળખ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ફાયર વિભાગ દ્વારા તળાવમાં વધુ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
રિપોર્ટર: વિમલ પટેલ