શ્રીરામ દરબારના દર્શન-પૂજન કરી રાજ્યની સુખાકારી માટે કરી મંગલ કામના
અમદાવાદ
સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત શ્રી સનાતન રામધામ મંદિર ખાતે યોજાયેલા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી મહાઆરતીમાં સહભાગી થઈ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી.આશરે ૯૦ વર્ષ જૂના આ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને દાતાઓના સહયોગથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મંદિર ખાતે યોજાયેલા ૧૦ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે મુખ્યમંત્રીએ ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિમાં ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન ‘જય શ્રી રામ’ અને ‘શ્રી રામધૂન’ના ગુંજતા નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મુખ્યમંત્રીએ રામધામ મંદિરને ભક્તિ અને સનાતન સંસ્કારોનું અવિરત કેન્દ્ર ગણાવી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અમદાવાદ જગન્નાથ મંદિરના પીઠાધીશ દિલીપદાસજી મહારાજ, મોહનદાસજી મહારાજ, રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રી સહિત સંતો-મહંતો, મંદિરના ટ્રસ્ટીઓ, દાતાઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.