ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અહેવાલો મુજબ, ઇઝરાયલે ઇરાન પર હુમલાઓને વધુ સરળ બનાવવા માટે ઇરાકના પશ્ચિમી રણ વિસ્તારમાં એક ગુપ્ત સૈન્ય અડ્ડો તૈયાર કર્યો હતો. ખાસ વાત એ છે કે આ સમગ્ર ઓપરેશન વિશે અમેરિકાને જાણ હતી, પરંતુ ઇરાક સરકારને તેની કોઈ માહિતી નહોતી. ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પ્રમાણે, ઇરાકના એક નિર્જન રણ વિસ્તારમાં સ્થાનિક ભરવાડે કેટલાક દિવસો પહેલા નીચી ઉડાન ભરતી હેલિકોપ્ટરો અને શંકાસ્પદ સૈન્ય હિલચાલ જોઈ હતી. શરૂઆતમાં તેને આ સામાન્ય સૈન્ય ગતિવિધિ લાગી હતી, પરંતુ બાદમાં ખબર પડી કે તે એક મોટા ગુપ્ત ઓપરેશનનો સાક્ષી બની રહ્યો હતો.
જ્યારે આ માહિતી ઇરાકી સેનાને મળી, ત્યારે સૈનિકોની એક ટીમ તપાસ માટે ત્યાં પહોંચી હતી. પરંતુ અહેવાલો અનુસાર, ઇઝરાયલે પોતાના ગુપ્ત બેઝને બચાવવા માટે ઇરાકી સૈનિકો પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ઇરાકી સૈનિકનું મોત થયું હોવાનું જણાવાયું છે. અહેવાલ મુજબ, ઇઝરાયલ માટે આ બેઝ ખૂબ વ્યૂહાત્મક મહત્વ ધરાવતો હતો. તેલ અવીવથી ઇરાનનું અંતર લગભગ 1,000 માઈલ હોવાથી સતત હવાઈ હુમલા ચલાવવું મુશ્કેલ બની રહ્યું હતું. આવી સ્થિતિમાં ઇરાકના રણમાં બનાવાયેલો આ ગુપ્ત અડ્ડો ઇઝરાયલી વાયુસેનાને ઇંધણ, પુરવઠો અને ઇમરજન્સી સહાય પૂરી પાડવા માટે ઉપયોગી સાબિત થતો હતો.
જો કોઈ ઇઝરાયલી ફાઇટર જેટ ઇરાન નજીક તોડી પાડવામાં આવે, તો અહીં હાજર સ્પેશિયલ ફોર્સ તરત જ બચાવ કામગીરી કરી શકે તે માટે પણ આ બેઝ બનાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. આ સમગ્ર ઘટનાએ હવે અમેરિકા અને ઇરાક વચ્ચે તણાવ વધારી દીધો છે. ઇરાક સરકારે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. જોકે અમેરિકાએ આ ઓપરેશનમાં પોતાની કોઈ સીધી ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો છે. ઇરાકના લેફ્ટનન્ટ જનરલ કૈસ અલ-મુહમ્મદાવીએ જણાવ્યું કે આ કાર્યવાહી ઇરાકની મંજૂરી કે સંકલન વગર કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે ઘટનાસ્થળેથી એવા પુરાવા મળ્યા છે, જે દર્શાવે છે કે ત્યાં ઇઝરાયલી સ્પેશિયલ ફોર્સની હાજરી હતી અને તેમને હવાઈ સુરક્ષા પણ આપવામાં આવી રહી હતી. ઇરાકી સેનાની તપાસ દરમિયાન સ્થળ પરથી આધુનિક સૈન્ય સુવિધાઓ અને ટેક્નિકલ સાધનોના પુરાવા પણ મળ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાએ પશ્ચિમ એશિયાના તણાવને વધુ ગંભીર બનાવી દીધો છે અને ઇરાકની સાર્વભૌમત્વ અંગે પણ નવા સવાલો ઉભા કર્યા છે.