અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ હવે આર્થિક રીતે પણ ભારે અસર કરી રહી છે. પેન્ટાગોનના તાજા આંકડા મુજબ, અમેરિકાએ અત્યાર સુધીમાં આ યુદ્ધમાં અંદાજે 25 અબજ ડોલર જેટલો ખર્ચ કર્યો છે. આ માહિતી પેન્ટાગોનના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરે હાઉસ આર્મ્સ કમિટીની સુનાવણી દરમિયાન આપી હતી. અહેવાલ મુજબ, આ ખર્ચનો મોટો હિસ્સો દારૂગોળા અને લશ્કરી સાધનો પર થયો છે. અમેરિકન લશ્કરે યુદ્ધ દરમિયાન મિસાઇલ, ડ્રોન અને અન્ય હથિયારોનો મોટા પાયે ઉપયોગ કર્યો છે, જેના કારણે ખર્ચ ઝડપથી વધ્યો છે. અગાઉ કેટલાક નિષ્ણાતોનો અંદાજ હતો કે અમેરિકા રોજના લગભગ 1 અબજ ડોલર ખર્ચી રહ્યું છે, અને બે મહિનામાં કુલ ખર્ચ 60 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. પરંતુ પેન્ટાગોનના આંકડા આથી અલગ તસવીર રજૂ કરે છે. આ તફાવતને લઈને કેટલાક લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે. તેમના મતે, શક્ય છે કે કેટલાક ખર્ચને અન્ય વિભાગોમાં દર્શાવવામાં આવ્યો હોય. આ કારણે સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ પર સવાલો ઉઠી રહ્યા છે.
બીજી તરફ, ઇરાનની અર્થવ્યવસ્થા પર આ યુદ્ધનો ગંભીર પ્રભાવ પડ્યો છે. ઇરાનની કરન્સી રિયાલ ભારે ગિરાવટ સાથે એક ડોલર સામે લગભગ 18 લાખ રિયાલના સ્તરે પહોંચી ગઈ છે. આ સ્થિતિ બતાવે છે કે દેશની આર્થિક સ્થિતિ કેટલી નબળી થઈ ગઈ છે. આર્થિક સંકટ હોવા છતાં ઇરાન પોતાના વલણમાં કોઈ નરમાઈ બતાવતું નથી. અમેરિકા તરફથી વારંવાર ચેતવણીઓ આપવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇરાનને યુદ્ધવિરામ માટે દબાણ બનાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે ઇરાન પોતાની સ્થિતિને યોગ્ય રીતે સંભાળી રહ્યું નથી અને તેને સમજદારીથી નિર્ણય લેવાની જરૂર છે.
ટ્રમ્પે એ પણ સંકેત આપ્યો છે કે જો સમજૂતી નહીં થાય તો હોર્મુઝ સ્ટ્રેટમાં લાંબા સમય માટે ઘેરાબંધી કરવામાં આવશે. હોર્મુઝ વિશ્વ માટે મહત્વપૂર્ણ તેલ માર્ગ છે, અને ત્યાં કોઈ પણ અવરોધ વૈશ્વિક અર્થતંત્ર પર અસર કરી શકે છે. આથી આ નિવેદનને ગંભીર માનવામાં આવે છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ પણ હાલમાં દબાણ હેઠળ છે. તેમને હાઉસ કમિટીમાં યુદ્ધના ખર્ચ, વ્યૂહરચના અને લશ્કરી જરૂરિયાતો અંગે સવાલોના જવાબ આપવા પડી રહ્યા છે. ડેમોક્રેટ નેતાઓએ યુદ્ધના વધતા ખર્ચ અને તેના હેતુ અંગે સવાલો ઉઠાવ્યા છે. આ ઉપરાંત, યુદ્ધ દરમિયાન થયેલા બોમ્બમારો, મૃત્યુઆંક અને મિ઼ડલ ઇસ્ટમાં અમેરિકન બેઝને થયેલા નુકસાન અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે. રાજકીય સ્તરે પણ આ મુદ્દો ગરમાયો છે. યુદ્ધ દેશોની અર્થવ્યવસ્થા અને રાજકીય સ્થિતિ પર પણ ઊંડી અસર કરે છે. હવે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે અને શું બંને દેશો કોઈ સમજૂતી સુધી પહોંચી શકે છે કે નહીં.