આપ અને અપક્ષે ખોલાવ્યું ખાતું જ્યારે કોંગ્રેસ સદંતર શૂન્ય પર સમેટાઈ
પ્રતિનિધિ ગોધરા તા.28
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સતત ચોંકાવનારા અને સત્તાધારી પક્ષ માટે ઉત્સાહજનક આવી રહ્યા છે. ગોધરા તાલુકા પંચાયતની કુલ ૩૨ બેઠકો માટે જાહેર થયેલા સત્તાવાર પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવતા ૩૦ બેઠકો પર જંગી બહુમતી સાથે ભવ્ય વિજય નોંધાવ્યો છે અને ગોધરા તાલુકા પંચાયતમાં પોતાની સત્તા એકહથ્થુ રીતે જાળવી રાખી છે. બીજી તરફ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને એક અપક્ષ ઉમેદવારે પણ ખાતું ખોલાવીને નોંધપાત્ર એન્ટ્રી કરી છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ અહીં પણ સદંતર નકારી કાઢવામાં આવી છે અને સમગ્ર ગોધરા તાલુકા પંચાયતની ૩૨ બેઠકોમાંથી કોંગ્રેસનું ખાતું પણ ખુલી શક્યું નથી.
ચૂંટણીના સત્તાવાર આંકડાઓ અને પરિણામોના વિશ્લેષણ પર નજર કરીએ તો, ભાજપના ઉમેદવારોએ શરૂઆતથી જ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ૩૨ બેઠકોમાંથી ઘાણીત્રા, નદીસર અને રતનપુર (કાંટડી) એમ ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો અનુક્રમે પારૂલબેન પરમાર, મહેન્દ્રકુમાર માછી અને ઇન્દુબેન પરમાર અગાઉથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે બાકીની ૨૯ બેઠકો પર યોજાયેલા મતદાનમાં પણ ૨૭ બેઠકો પર મતદારોએ કમળ પર મહોર લગાવી હતી. મતદાનમાં ભાજપના ઉમેદવારો પૈકી ગોલી બેઠક પર શોભનાબેન રાઠોડે ૩૭૮૦ અને કરસાણા બેઠક પર કેસરબેન પરમારે ૩૬૪૩ જેટલા માતબર મતો મેળવીને જંગી લીડ સાથે વિજય હાંસલ કર્યો છે. આ ઉપરાંત ભામૈયા (પુર્વ), કાંકણપુર, અને ગોલ્લાવ-૧ જેવી બેઠકો પર પણ ભાજપે ત્રણ હજારથી વધુ મતો અંકે કરીને વિપક્ષોને કારમી પછડાટ આપી છે.
આ ચૂંટણીમાં ભાજપના એકતરફી પ્રવાહ વચ્ચે બે બેઠકોના પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે અને સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઊભા કર્યા છે. સાંકલી બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાવનાબેન ટીનુભાઈ પટેલે ૧૭૫૬ મતો મેળવીને શાનદાર જીત નોંધાવી છે અને ગોધરા તાલુકા પંચાયતમાં આપ ની સત્તાવાર એન્ટ્રી કરાવી છે. જ્યારે બખ્ખર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર અરૂણાબેન નિલેશભાઈ વણઝારાએ ૧૬૦૬ મતો મેળવીને હરીફ ઉમેદવારોને મ્હાત આપી છે. ગોધરા તાલુકા પંચાયતના આ પરિણામો સ્પષ્ટ કરે છે કે ગ્રામ્ય સ્તરે પણ મતદારોએ ભાજપ પર પૂર્ણ ભરોસો મૂક્યો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં નવા રાજકીય વિકલ્પ તરીકે આપ અને સ્થાનિક ચહેરા તરીકે અપક્ષને પણ તક આપી છે. કોંગ્રેસની આ સળંગ હાર સ્થાનિક નેતાગીરી માટે ભારે ચિંતાનો વિષય બની ગઈ છે.
રિપોર્ટર: આશિષ બારીયા