Vadodara

લાલબાગ બ્રિજ ફરી બન્યો ‘અકસ્માત ઝોન’, કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ, બ્રિજ પર સર્જાયો ટ્રાફિક જામ

બ્રિજની ખામીયુક્ત ડિઝાઇન સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ, ‘રોજિંદા અકસ્માતોથી વાહનચાલકો ભયના ઓથાર હેઠળ’

(પ્રતિનિધિ), વડોદરા. તા.28

વડોદરાના વ્યસ્ત ગણાતા લાલબાગ બ્રિજ પર ગત રાત્રે વધુ એક અકસ્માત સર્જાતા રહી ગયો હતો. એક બેફામ સ્પીડે આવી રહેલી ફોરવીલર કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર સીધી રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર ડિવાઈડર પર ફસાઈ ગઈ હતી અને રોડ પર ટ્રાફિકનો ચક્કાજામ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ અકસ્માતે બ્રિજની સુરક્ષા અને ડિઝાઇન સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા કરી દીધા છે.

ઘટનાને પગલે લાલબાગ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. અકસ્માત થતાં બ્રિજની બંને બાજુએ વાહનોની કતારો જોવા મળી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી કાર ચાલકને બહાર કાઢ્યો હતો અને ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

લાલબાગ બ્રિજ પર આ કોઈ પહેલી ઘટના નથી. અકસ્માતને પગલે એકઠા થયેલા સ્થાનિક રહીશો અને નિયમિત પસાર થતા વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બ્રિજની જે જગ્યાએ વળાંક આવે છે, ત્યાં વાહનચાલકોને અચાનક ડિવાઈડરનો અંદાજ આવતો નથી. ડિવાઈડરની લંબાઈ અને તેની ઊંચાઈ વૈજ્ઞાનિક ઢબે બનાવવામાં આવી નથી, જેને કારણે રાત્રિના સમયે અથવા સ્પીડમાં આવતા વાહનો સીધા તેની સાથે ભટકાય છે. આ અગાઉ પણ અનેક વખત નાની-મોટી ગાડીઓ અને ટુ-વ્હીલર્સ આ જ રીતે ડિવાઈડર પર ચડી જવાની કે સ્લિપ થવાની ઘટનાઓ બની ચૂકી છે.

લાલબાગ બ્રિજ પર રોજિંદા બનતા અકસ્માતોને કારણે હવે વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોએ વડોદરા કોર્પોરેશન અને માર્ગ-મકાન વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે લાલબાગ બ્રિજની ડિઝાઇન અને સુરક્ષા વ્યવસ્થાની તજજ્ઞો દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે. બ્રિજના જોખમી વળાંકો પર રિફ્લેક્ટર્સ, સાઈન બોર્ડ અને બ્લિંકર લાઈટો મૂકવામાં આવે જેથી રાત્રે અકસ્માત નિવારી શકાય. ડિવાઈડરની આસપાસ જરૂરી સુધારા-વધારા કરીને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

જો તંત્ર દ્વારા આ બાબતે વહેલી તકે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અહીં કોઈ મોટો અને જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.

Most Popular

To Top