GCAS પોર્ટલના નવા સુધારા પણ જાહેર
જૂનના બીજા કે ત્રીજા સપ્તાહથી એફવાય બીકોમનું શિક્ષણકાર્ય શરૂ થાય તેવી શક્યતા
( પ્રતિનિધિ )વડોદરા,તા.27
એમ.એસ. યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એફવાય બીકોમમાં પ્રવેશ માટે પહેલી વખત લેવાયેલી ઓનલાઈન એન્ટ્રન્સ એક્ઝામમાં 91 ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ છે. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના આગામી માસના પ્રથમ સપ્તાહમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથધરાશે.
જીકાસ પર રજિસ્ટ્રેશન કરાવનાર 10000 ઉપરાંત વિદ્યાર્થીઓમાંથી 9365 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. સવારે 10 થી 12માં લેવાયેલી ઓનલાઈન એક્ઝામમાં વિદ્યાર્થીઓને 100 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. લગભગ 100 જેટલા અધ્યાપકો અને કર્મચારીઓએ આ પરીક્ષામાં ફરજ બજાવી હતી અને હેલ્પ લાઈન પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. હવે તા. 31 મેના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તા. 2 થી 6 જૂન દરમિયાન પ્રવેશ માટે ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓએ દસ્તાવેજો સાથે ફરજિયાત હાજર રહેવું પડશે. જે માટેની સૂચનાઓ યુનિવર્સિટીની વેબસાઈટ અને જીકાસના પોર્ટલ પર હવે પછી જાહેર કરવામાં આવશે. ફેકલ્ટી સૂત્રોએ કહ્યું કે, જૂનના બીજા કે ત્રીજા સપ્તાહથી એફવાય બીકોમનું શિક્ષણકાર્ય શરૂ થાય તેવી શક્યતા છે. બીજી તરફ કોલેજ પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા જીકાસ પોર્ટલમાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. કોલેજ એડમિશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓ હવે આગામી 28 તારીખ બાદ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
પોર્ટલના મુખ્ય સુધારા:
1.રજીસ્ટ્રેશનના રાઉન્ડ 4 સુધી વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
2.ફિઝિકલ માર્કશીટ ન મળી હોય તો પણ અરજી થઈ શકશે.
3.બેઠક ક્રમાંક મૂક્યા બાદ ડેટા આપોઆપ ઓટોપેચ થશે અને અલગથી માર્કશીટ અપલોડ કરવી નહીં પડે.
4.બર્થ પ્રૂફ તરીકે LC સિવાય ધોરણ-10ની માર્કશીટ પણ માન્ય ગણાશે.
5.નવા અનલોક ઓપ્શનથી વિદ્યાર્થીઓ જનરલમાંથી રિઝર્વ અને રિઝર્વમાંથી જનરલ કેટેગરીમાં ફેરફાર કરી શકશે.
F.Y. B.Com પ્રવેશ પ્રક્રિયા :
1.હાજરી : 91 ટકા, 9365 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
2.મેરિટ લિસ્ટ: 31 મે, 2026ના રોજ જાહેર થશે
3.ડોક્યુમેન્ટ વેરિફિકેશન: 2 થી 6 જૂન, 2026 સુધી
4.શિક્ષણકાર્ય: જૂનના બીજા-ત્રીજા સપ્તાહથી શરૂ થવાની શક્યતા
5.GCAS સુધારા: 28 તારીખ બાદ પણ ફોર્મ, અનલોકથી કેટેગરી બદલી શકાશે