સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. ઓમાનના દરિયાકાંઠા નજીક એક વેપારી જહાજ પર થયેલા ડ્રોન હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઊભી થઈ છે. બ્રિટિશ સૈન્ય અને અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘એવર લવલી’ (Ever Lovely) નામના વેપારી જહાજને નિશાન બનાવીને ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. એક અમેરિકન અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે દાવો કર્યો છે કે આ હુમલો ઈરાનની પેરામિલિટરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો.
હુમલામાં જહાજને નુકસાન થયું હોવાના અહેવાલ છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને દરિયામાં તેલ લીક થવા જેવી પર્યાવરણીય નુકસાનની પણ કોઈ માહિતી સામે આવી નથી. તેમ છતાં આ ઘટનાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ફરીથી અસ્થિરતાનો માહોલ ઊભો કરી દીધો છે. આ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પર્શિયન ગલ્ફમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. IMOના સેક્રેટરી જનરલ આર્સેનિયો ડોમિંગુએઝે જણાવ્યું કે જ્યાં સુધી આ માર્ગ પર જહાજોની સંપૂર્ણ સુરક્ષાની ખાતરી ન મળે ત્યાં સુધી કોઈ પણ રેસ્ક્યૂ ઓપરેશન આગળ વધારવામાં આવશે નહીં. જોકે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હુમલાનો ભોગ બનેલું એવર લવલી જહાજ આ રેસ્ક્યૂ મિશનનો ભાગ નહોતું. તેમ છતાં આ ઘટનાએ સમગ્ર દરિયાઈ માર્ગની સુરક્ષા અંગે નવા પ્રશ્નો ઉભા કર્યા છે.
હુમલાથી થોડા કલાકો પહેલા જ ઈરાને કડક ચેતવણી આપી હતી. ઈરાનની નવી સરકારી એજન્સી પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ઈરાન દ્વારા નક્કી કરાયેલા માર્ગ સિવાય અન્ય કોઈ રૂટનો ઉપયોગ કરનારા જહાજોને સુરક્ષાની કોઈ ગેરંટી આપવામાં આવશે નહીં. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડે પણ ઓમાન અને IMO દ્વારા તૈયાર કરાયેલા નવા વૈકલ્પિક દરિયાઈ માર્ગને અસ્વીકાર્ય ગણાવ્યો હતો. અગાઉ એક ટેન્કરને રેડિયો સંદેશ દ્વારા ધમકી આપતાં ઈરાની સૈનિકોએ કહ્યું હતું કે, “તમે અમારી મિસાઈલોની રેન્જમાં છો અને જરૂર પડશે તો અમે કોઈ પણ સમયે કાર્યવાહી કરી શકીએ છીએ.” સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વ માટે સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંનો એક છે. વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના લગભગ 20 ટકા પુરવઠો આ જ માર્ગમાંથી પસાર થાય છે. ભારત, ચીન, જાપાન અને યુરોપ સહિત અનેક દેશોની ઊર્જાની જરૂરિયાત આ માર્ગ પર નિર્ભર છે.
ગત ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ હોર્મુઝ વિસ્તારમાં ભારે તણાવ સર્જાયો હતો. ત્યારબાદ ઈરાને કેટલાક વિસ્તારોમાં દરિયાઈ સુરંગો ગોઠવી દીધી હતી, જેના કારણે જહાજોની અવરજવર પર મોટી અસર પડી હતી. વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. પછી ઓમાન અને IMOના સહયોગથી કિનારાની નજીક એક વૈકલ્પિક દરિયાઈ માર્ગ શરૂ કરવામાં આવ્યો હતો. આ નવા રૂટથી વેપારી જહાજોની અવરજવર ફરી શરૂ થતાં વૈશ્વિક અર્થતંત્રને રાહત મળવાની આશા જાગી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં આ માર્ગ પરથી જહાજોની સંખ્યા પણ વધી રહી હતી અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને પ્રતિ બેરલ 73 ડોલરથી નીચે આવી ગયા હતા. પરંતુ હવે નવા ડ્રોન હુમલા બાદ ફરી એકવાર ચિંતા વધી છે. બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો હાલમાં ખાડી દેશોની મુલાકાતે છે. તેમણે બહેરીનમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના વિદેશ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા ઈરાન સાથેના સંભવિત કરારમાં ખાડી દેશોના હિતોની સંપૂર્ણ સુરક્ષા કરશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે હાલમાં વચગાળાના શાંતિ કરાર માટે ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની સુરક્ષિત અવરજવર અને ઈરાનના યુરેનિયમ ભંડાર જેવા મુદ્દાઓ મુખ્ય છે. બંને દેશો પાસે અંતિમ કરારની વિગતો નક્કી કરવા માટે લગભગ 60 દિવસનો સમય છે. આ દરમિયાન લેબેનોનમાં ઈઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે ફરી અથડામણ વધી છે. દક્ષિણ લેબેનોનમાં થયેલા ઈઝરાયલી હુમલામાં છેલ્લા બે દિવસમાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હિઝબુલ્લાહે તેને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે, જ્યારે ઈઝરાયલે પણ પોતાના એક રિઝર્વિસ્ટ સૈનિકના મોતની પુષ્ટિ કરી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ફરી વૈશ્વિક રાજકીય અને આર્થિક ચિંતાનું કેન્દ્ર બની ગયો છે. જો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો તેની સીધી અસર વૈશ્વિક ઊર્જા પુરવઠા, કાચા તેલના ભાવ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પડી શકે છે.