તમિલનાડુના મુખ્યમંત્રી અને દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર C. Joseph Vijayએ રાજ્યની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત આપતો ઐતિહાસિક નિર્ણય લીધો છે. લગભગ 70 વર્ષથી અમલમાં રહેલા થિયેટર નિયમોમાં ફેરફાર કરીને હવે નવી તમિલ ફિલ્મોને રિલીઝના પ્રથમ સાત દિવસ દરમિયાન દરરોજ પાંચ શો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. નિર્ણયને કારણે ફિલ્મ નિર્માતાઓ, ડિસ્ટ્રિબ્યુટરો તેમજ થિયેટર માલિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. મહત્અવ નું છે કે અત્ત્યાયાર સુધી તમિલનાડુમાં અમલમાં રહેલા 1957ના સિનેમા થિયેટર રેગ્યુલેશન નિયમો અનુસાર સામાન્ય રીતે એક દિવસમાં ચાર શો ચલાવવાની જ મંજૂરી હતી. ખાસ પ્રસંગો, તહેવારો અથવા જાહેર રજાઓ દરમિયાન વધારાના શો માટે જિલ્લા કલેક્ટર અથવા સંબંધિત અધિકારી પાસેથી વિશેષ પરવાનગી લેવી પડતી હતી. હવે મુખ્યમંત્રી વિજયે આ પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે.
નવી વ્યવસ્થા મુજબ રાજ્યભરના તમામ સિનેમા ઘરોમાં નવી રિલીઝ થતી તમિલ ફિલ્મો માટે પ્રથમ સાત દિવસ સુધી દરરોજ પાંચ શો યોજી શકાશે. ઉપરાંત શનિવાર, રવિવાર, જાહેર રજાઓ અને સ્થાનિક તહેવારો દરમિયાન પણ પાંચ શો માટે અલગથી મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં.
ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિઓએ થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી વિજય સાથે બેઠક કરીને અનેક માંગણીઓ રજૂ કરી હતી. તેમાં થિયેટરોમાં વધારાના શો, ઓછી બજેટની ફિલ્મોને સહાય, મનોરંજન કરમાં રાહત અને અન્ય સુધારાઓનો સમાવેશ થતો હતો. આ બેઠક બાદ સરકારે ફિલ્મ ઉદ્યોગના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે કોઈપણ ફિલ્મ માટે રિલીઝનો પ્રથમ અઠવાડિયો સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ સમયગાળા દરમિયાન વધુ શો મળવાથી વધુ દર્શકો ફિલ્મ જોઈ શકશે, જેના કારણે ટિકિટ વેચાણમાં વધારો થશે અને બોક્સ ઓફિસ કલેક્શન પણ નોંધપાત્ર રીતે વધશે. થિયેટર માલિકો માટે પણ આ નિર્ણય કમાણી વધારવાનો મોટો અવસર સાબિત થશે.
અભિનેતા Vishal સહિત ફિલ્મ જગતના અનેક લોકોએ મુખ્યમંત્રી વિજયનો આ નિર્ણય બદલ જાહેરમાં આભાર વ્યક્ત કર્યો છે. તેમના મતે આ પગલું તમિલ ફિલ્મ ઉદ્યોગને નવી ઊર્જા આપશે અને થિયેટરોમાં ફરીથી દર્શકોની ભીડ વધારવામાં મદદરૂપ બનશે.ફિલ્મ ઉદ્યોગ હાલમાં OTT પ્લેટફોર્મના વધતા પ્રભાવ, પાયરસી, વધતા ઉત્પાદન ખર્ચ અને ઘટતી થિયેટર ફૂટફોલ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારનો આ નિર્ણય સમગ્ર કોલીવુડ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
વિજય મુખ્યમંત્રી બન્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે લીધેલો આ પહેલો મોટો નિર્ણય ગણાઈ રહ્યો છે. ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે આ સુધારા થકી માત્ર મોટા બજેટની ફિલ્મોને જ નહીં પરંતુ મધ્યમ અને નાના બજેટની ફિલ્મોને પણ સીધો લાભ મળશે, કારણ કે શરૂઆતના દિવસોમાં વધુ સ્ક્રીનિંગ મળવાથી તેમની આવકમાં વધારો થવાની શક્યતા છે. આ નિર્ણય બાદ હવે તમિલનાડુની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આશા છે કે સરકાર ભવિષ્યમાં ટેક્સ રાહત, પાયરસી સામે કડક કાર્યવાહી અને અન્ય માળખાકીય સુધારાઓ જેવા મુદ્દાઓ પર પણ સકારાત્મક પગલાં ભરી શકે છે.