બ્રિજ બંધ હોવાથી હજારો વાહનો ડાઇવર્ઝન પરથી પસાર, માર્ગમાં મોટો ભુવો પડતા ચિંતા
વરસાદી માહોલ વચ્ચે તાત્કાલિક મરામત અને સુરક્ષા વ્યવસ્થા કરવાની લોકમાગ
પાવીજેતપુર:
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ગામ પાસે ભારજ નદી પર આવેલ બ્રિજ હાલ વાહન વ્યવહાર માટે બંધ હોવાથી નાના-મોટા તમામ વાહનો બ્રિજની બાજુમાં બનાવવામાં આવેલ ડાઇવર્ઝન પરથી પસાર થઈ રહ્યા છે. પરંતુ હાલ ડાઇવર્ઝનની હાલત અત્યંત જોખમી બનતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.

ડાઇવર્ઝન પર પાણીના નિકાલ માટે મોટા પાઇપો મૂકીને નાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં ત્યાં મોટો ભુવો પડી જતા માર્ગ નબળો બની ગયો છે. જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી વાતાવરણમાં આ જોખમ વધુ ગંભીર બની શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પાવીજેતપુર અને કદવાલ તાલુકાને જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી રોજબરોજ ભારે વાહન વ્યવહાર અહીંથી પસાર થાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર મરામત કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ડાઇવર્ઝનની તાત્કાલિક અસરથી મરામત કરવામાં આવે તેમજ સુરક્ષા માટે બેરિકેડ, ચેતવણી બોર્ડ અને લાઇટિંગ જેવી જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવે જેથી કોઈ જાનહાનિ ટાળી શકાય.
પ્રતિનિધિ: આરીફ ખત્રી