Godhra

ગોધરા બહુમાળી ભવન ખાતે દાખલા માટે આવતા વિદ્યાર્થીઓ-વાલીઓ પરેશાન

સમાજ કલ્યાણ કચેરીના સ્ટાફની મનમાનીથી અરજદારોમાં ભારે રોષ

એડમિશનના સમયે જ દાખલા કાઢવામાં તંત્રના ધાંધિયા

પૂરતા ડોક્યુમેન્ટ હોવા છતાં બિનજરૂરી કાગળો માંગી ધરમધક્કા ખવડાવાતા હોવાની વ્યાપક રાવ

પ્રતિનિધિ ગોધરા તા.26
ગોધરાના બહુમાળી ભવનમાં આવેલી સમાજ કલ્યાણ કચેરીમાં જાતિના દાખલા મેળવવા આવતા ગરીબ અને શ્રમિક વર્ગના અરજદારોને કચેરીના સ્ટાફની મનમાનીને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામો બાદ એડમિશન પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે કચેરીના કર્મચારીઓ દ્વારા અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપવાના બદલે માનસિક ત્રાસ અને હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે.

દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અનેક વાલીઓ અભણ કે ઓછું ભણેલા હોય છે. કચેરીમાં આવ્યા બાદ કયું કામ ક્યાં થશે તે અંગે કોઈ યોગ્ય માર્ગદર્શન ન મળતા તેઓ ઓફિસો શોધવામાં જ અટવાઈ જાય છે. ઘણીવાર અરજદારો ATVT સેન્ટરની લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહે છે અને જ્યારે તેમનો વારો આવે ત્યારે તેમને સિક્કો કરાવી લાવો તેમ કહીને પાછા કાઢવામાં આવે છે. આ સિક્કો કરાવવા તેઓ ફરી બહુમાળી ભવનની કચેરીમાં જાય છે ત્યારે ત્યાં બેઠેલા કર્મચારીઓ દ્વારા તેમને સંતોષકારક જવાબ આપવાના બદલે ડોક્યુમેન્ટ નથી તેમ કહી પરત મોકલી દેવામાં આવે છે.

અરજદાર પાસે સરકાર માન્ય પૂરતા દસ્તાવેજો હોવા છતાં મનસ્વી રીતે વધારાના અને બિનજરૂરી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે છે. ગામડાંથી આવતા શ્રમિક અને ખેડૂત વર્ગના માણસો પોતાની એક દિવસની રોજગારી ગુમાવીને કાળઝાળ ગરમીમાં દાખલા માટે આવે છે. સ્ટેમ્પ, એફિડેવિટ, ફોર્મ અને આવવા-જવાના ભાડા પાછળ એક ગરીબ અરજદારને આશરે ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા જેટલો મોટો ખર્ચ થતો હોય છે. પૂરતા કાગળો છતાં સ્ટાફની મનમાનીથી ફોર્મ સ્વીકારવાની ના પાડવામાં આવતા ગરીબ પરિવારો પર આર્થિક બોજ પડે છે અને વાલીઓ તથા વિદ્યાર્થીઓનો મહામૂલો સમય વેડફાઈ રહ્યો છે.

જો સમયસર જાતિના દાખલા ન મળે તો તેજસ્વી પરંતુ ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં અનામતના લાભ અને એડમિશનથી વંચિત રહી જાય તેવો મોટો ભય ઊભો થયો છે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક કચેરીના સ્ટાફને અરજદારો સાથે યોગ્ય વર્તન કરવા અને દાખલાની પ્રક્રિયા પારદર્શક અને સરળ બનાવવા તાકીદની સૂચના આપવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે.

રિપોર્ટર: આશિષ બારીયા

Most Popular

To Top