અમદાવાદ,
અમદાવાદ શહેરમાં આતંકનું સામ્રાજ્ય ઊભું કરનાર કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો અભયસિંહ બારડને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં ધમો હાજર હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળતા પોલીસે તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું.
મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કૃષ્ણનગર વિસ્તારમાં પહોંચી હતી અને વોન્ટેડ આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમાને ચારેય બાજુથી ઘેરી લીધો હતો. પોલીસે શરણાગતિ સ્વીકારવા ચેતવણી આપતા આરોપી ધમાએ સમર્પણ કરવાને બદલે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી ભાગવાનો કર્યો હતો. જેમાં પોલીસ અને આરોપી વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે આત્મરક્ષણ માટે કાર્યવાહી હાથ ધરી પોલીસે ગોળીબાર કરતા આરોપીના પગમાં ગોળી વાગી હતી. ગોળી વાગતા જ આરોપી નીચે ફસડાયો હતો અને પોલીસે તેને તાત્કાલિક કાબૂમાં લઈ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વોન્ટેડ આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા સામે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં કુલ 26 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, લૂંટ, ખંડણી, દારૂબંધી કાયદો, આર્મ્સ એક્ટ અને હંગામા જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ કુખ્યાત આરોપી ધમો છેલ્લા ઘણા સમયથી પોલીસને દોડાવી રહ્યો હતો. આખરે ક્રાઈમ બ્રાન્ચે સફળ ઓપરેશન પાર પાડી તેને દબોચી લીધો છે. હાલ આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેની સારવાર પૂર્ણ થયા બાદ તેની વધુ પૂછપરછ હાથ ધરશે.