Charchapatra

સફળતા શું છે?

જીવનમાં બધાં જ માણસો સફળતા ઇચ્છતા હોય છે અને એ સ્વાભાવિક પણ છે.દુનિયામાં કોઈ પણ એવું નહીં હોય કે જે સફળતા ન ઈચ્છતું હોય.કોઈકને કંઈક થવું છે તો કોઈકને કંઈક મેળવવું છે. બધાના પોતપોતાના સ્વપ્નો અને અરમાનો હોય છે.કેટલાંક લોકો ખૂબ નસીબદાર હોય છે કે જેઓ એમના માટે જે અભિપ્રેત હોય એ સફળતા મેળવી શકતા હોય છે.તો મોટા ભાગના લોકો એવાં હોય છે કે જેમને એમના માટે જે અપેક્ષિત હોય એ સફળતા પ્રાપ્ત થતી હોતી નથી.જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે માનસિક સંતુલન જાળવી અનુકૂલન સાધવું અનિવાર્ય થઈ પડે છે.

મારી દૃષ્ટિએ માણસ જે પરિસ્થિતિમાં હોય,જેવી પરિસ્થિતિમાં હોય એમાં અનુકૂલન સાધી શકે અને ખુશ રહી શકે એ જ સફળતા છે. અલબત્ત, સફળતાને અનેક લેખકો,સર્જકો અને ચિંતકો પોતાની રીતે મૂલવતાં હોય છે. એવો જ એક સુંદર અર્થ મને શ્રી હર્ષ બ્રહ્મભટ્ટના આ શેરમાંથી પ્રાપ્ત થયો છે જે બધાંને ખૂબ કામ લાગે એવો છે.તેઓ કહે છે કે ; “ ન એવું વિચારો કે કમ છે સફળતા,મળેલું આ જીવન સ્વયમ્ છે સફળતા.” અર્થાત્ આપણને જીવન પ્રાપ્ત થયું છે એ જ મોટી સફળતા છે.જો આ શેર ઘણાં બધાં લોકો સુધી પહોંચે અને એનો અર્થ સમજાઈ જાય તો (કહેવાતી) નિષ્ફળતા પ્રાપ્ત થવાને લીધે જે અનેક પ્રકારના પ્રશ્નો અને વિકરાળ પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે એમાં ચોક્કસ ફેર પડી શકે એમ છે.
નવસારી – ઇન્તેખાબ અનસારી         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top