Gujarat

એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત અતુલ્યમ બ્લોકની જગ્યાએ નવી હોસ્ટેલ બનાવાશે

ગાંધીનગર: અમદાવાદ સિવિલ હોસ્પિટલ-અસારવા નજીક આવેલા ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે ડૉક્ટર્સ માટે રૂ.105 કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી મેરીડ પી.જી. હોસ્ટેલ અને કેન્ટીન બ્લોકનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે નવી હોસ્ટેલમાં કુલ 236 સુપર સ્પેશિયાલિટી મેરીડ પી.જી. ડૉક્ટર્સ માટે નિવાસની સુવિધા ઉપલબ્ધ કરાશે.

પાનશેરિયાએ જણાવ્યું હતું કે ગત 12 જૂન 2025ના રોજ મેઘાણીનગર વિસ્તારમાં થયેલી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ નજીક આવેલા ‘અતુલ્યમ 1 થી 4’ હોસ્ટેલ બ્લોક, કેન્ટીન અને સબ-સ્ટેશન બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું. દુર્ઘટના સમયે આ હોસ્ટેલમાં કુલ 92 વિદ્યાર્થીઓ રહેતા હતા. ત્યારબાદ કરવામાં આવેલા સ્ટ્રક્ચરલ ઓડિટમાં બિલ્ડિંગ અસુરક્ષિત જાહેર થતાં તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નુકસાન પેટે આરોગ્ય વિભાગ દ્વારા ટાટા એરલાઈન્સ પાસે રૂ.53.12 કરોડની માંગણી કરવામાં આવી હતી. જેના સંદર્ભમાં ટાટા એરલાઈન્સે સકારાત્મક અભિગમ દાખવી સંપૂર્ણ રકમ આગામી સમયમાં આરોગ્ય વિભાગને ચૂકવવાની તૈયારી દર્શાવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

નવી હોસ્ટેલ માટે રાજ્ય સરકારે ન્યૂ મેન્ટલ કેમ્પસ-આઈજીપી કમ્પાઉન્ડ, મેઘાણીનગર ખાતે પૂરતી જમીન ફાળવી દીધી છે. પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક હોસ્ટેલ બ્લોક ઉપરાંત નવું કેન્ટીન બ્લોક અને સબ-સ્ટેશન પણ બનાવવામાં આવશે. મેડિકલ ક્ષેત્રે સુપર સ્પેશિયાલિટીની વધારાની 48 બેઠકોને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ વર્ષના કુલ 144 વિદ્યાર્થીઓ સહિત કુલ 236 ડૉક્ટર્સ માટે નિવાસની વ્યવસ્થા ઉભી કરાશે.ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં આ પ્રોજેક્ટ માટે રૂ.51.84 કરોડના અંદાજ સામે રૂ.34.65 કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી હોવાનું પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.

નવી ‘અતુલ્યમ 1 થી 7’ હોસ્ટેલ જી+8 માળના આધુનિક સ્ટ્રક્ચર સાથે તૈયાર કરવામાં આવશે. દરેક ફ્લેટ સ્ટુડિયો એપાર્ટમેન્ટ મોડલ મુજબ બનાવાશે, જેમાં લિવિંગ રૂમ, એટેચ કિચન, બેડરૂમ અને ટોયલેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત ફાયર ફાઈટીંગ સિસ્ટમ, આર.ઓ. પ્લાન્ટ અને મજબૂત ડ્રેનેજ વ્યવસ્થા જેવી સુવિધાઓનો પણ સમાવેશ કરાશે.વિદ્યાર્થીઓની સુખાકારીને ધ્યાનમાં રાખીને પાર્કિંગ માટે વિશાળ બેઝમેન્ટ, અપરિણીત પી.જી. વિદ્યાર્થીઓ માટે અલગ નિવાસસ્થાન, આધુનિક મેસ, જીમ, રીક્રીએશન રૂમ અને લેન્ડસ્કેપિંગ જેવી સુવિધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top