ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમીત શાહ આગામી 28 અને 29 મે દરમિયાન ગુજરાત પ્રવાસે આવશે. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ સહિતના વિસ્તારોમાં વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં હાજરી આપશે. સાથે જ વિવિધ સમીક્ષા અને સંગઠનાત્મક બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ 28 મેના રોજ શાહ પોતાના સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. જેમાં આનંદમ પરિવારના CSR ફંડથી વડસર ખાતે નિર્માણ પામેલા જેડવા તળાવનું લોકાર્પણ કરવામાં આવશે. વડસર, જલુંદ અને સરઢવ ખાતે ટોયોટા કિર્લોસ્કર મોટરના CSR ફંડ હેઠળ બનાવવામાં આવેલા વાંચનાલયોના લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. ખાત્રજ ખાતે અરવિંદ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટના ખાતમુહૂર્ત સાથે ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ પણ શાહના હસ્તે કરવામાં આવશે.
મોટી ભોયણ ખાતે પે સેન્ટર પ્રાથમિક શાળાનું લોકાર્પણ તેમજ સોનીપુર ખાતે ગામ તળાવ સહિત કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો પણ યોજાશે. સોનીપુર ખાતે શાહ ભાજપાના સિનિયર કાર્યકર અને પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરના નિવાસસ્થાને બપોરનું ભોજન ગ્રહણ કરશે. ત્યારબાદ ગાંધીનગર સ્થિત ભાજપાના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ભાજપાના મુખ્ય પદાધિકારીઓની બેઠક યોજાશે, જેમાં સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.અમદાવાદ ખાતે પણ શાહ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
ચાંદખેડા ખાતે CBSE પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ તેમજ સોલા સ્થિત ઉમિયાધામ કેમ્પસમાં નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે.સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાડજ ખાતે નિર્માણ પામેલા ભારત માતા સ્કલ્પચરનું લોકાર્પણ પણ શાહના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ઓલિમ્પિક, કોમનવેલ્થ તેમજ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાશે, જેમાં તેઓ અધ્યક્ષસ્થાને રહેશે. 28 મેના રોજ મોડી સાંજે તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ શાહ કચ્છના ભુજ જવા રવાના થશે.