ગાંધીનગર: રાજ્યમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી, સરળ અને બચતયુક્ત બનાવવા માટે વીડિયો કોન્ફરન્સિંગ ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ શરૂ થયો છે. ન્યાય તંત્ર અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી કોર્ટમાં જુબાની આપવા માટે શરૂ કરાયેલા વીડિયો કોન્ફરન્સ કેન્દ્રનો આજે રાજ્યના પોલીસ વડા ડૉ કે એલ એન રાવે ઉપયોગ કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વર્ષ 2021ના એક એસીબીના કેસમાં પ્રોસિક્યુશન મંજૂરી સંબંધિત મહત્વપૂર્ણ જુબાની આપવા માટે રાજ્યના પોલીસ વડા ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના વીડિયો કોન્ફરન્સ કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. કેસની સુનાવણી કચ્છ-ગાંધીધામની કોર્ટમાં ચાલી રહી હોવાથી તેમણે ગાંધીનગરથી જ ઓનલાઈન માધ્યમ દ્વારા કચ્છની કોર્ટમાં હાજર રહી પોતાની જુબાની નોંધાવી હતી. જેના કારણે લાંબી મુસાફરી ટળી હતી અને ગણતરીના સમયમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
પોલીસ વિભાગના જણાવ્યા મુજબ વીડિયો કોન્ફરન્સિંગ સુવિધાના કારણે સાક્ષીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો કિંમતી સમય બચે છે તેમજ ઇંધણની મોટી બચત થાય છે. દૂરના વિસ્તારોની કોર્ટમાં હાજરી આપવા માટે કલાકો સુધી મુસાફરી કરવાની જરૂર રહેતી નથી, જેના કારણે સરકારી ખર્ચમાં પણ ઘટાડો થાય છે.
આ સુવિધાથી કેસોમાં અનાવશ્યક મુલતવીકરણ ઓછું થાય છે અને ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી બને છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મુસાફરીમાં સમય પસાર કરવાને બદલે કાયદો અને વ્યવસ્થાની પોતાની ફરજો પર વધુ ધ્યાન આપી શકે છે. ઉપરાંત વિવિધ જેલોમાં બંધ કેદીઓને કોર્ટમાં લાવવા-લઈ જવાની પ્રક્રિયામાં પણ સરળતા થાય છે, જેના કારણે પોલીસ જાપ્તાનો ખર્ચ અને સુરક્ષા જોખમોમાં ઘટાડો થાય છે. રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોને સમય, શક્તિ અને ઇંધણની બચત કરતી આ ડિજિટલ સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.