Gujarat

બકરી ઈદને લઈ રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રહેશે: ડીજીપી ડો. રાવ

પોલીસ અધિકારીઓ સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું

ગાંધીનગર: રાજ્યમાં બકરી ઈદના તહેવારને અનુલક્ષીને રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતે વિડિઓ કોન્ફરન્સ મારફતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. તહેવાર દરમિયાન શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તમામ શહેરોના પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ તેમજ રેન્જ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવો ન બને તેમજ કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જિલ્લા સ્તરે આગોતરા આયોજન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

તહેવાર દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવા, સતત પેટ્રોલિંગ વધારવા તેમજ જરૂરી સ્થળોએ પૂરતો પોલીસ ફોર્સ તૈનાત કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. ઉપરાંત સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ભ્રામક સંદેશાઓ પર ચુસ્ત દેખરેખ રાખવા માટે સાયબર મોનીટરીંગ વધુ સક્રિય બનાવવા સૂચના આપવામાં આવી હતી.
આ સાથે ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે, ઈમરજન્સી સેવાઓ સજ્જ રહે અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પણ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top