ગુજરાત હાઇકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ઈ-મેઇલ મારફતે મોકલવામાં આવેલા ધમકીભર્યા સંદેશમાં બપોરે 1:11 વાગ્યે બ્લાસ્ટ કરવાની ચેતવણી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઈ-મેઇલમાં અયોધ્યા, કાશી અને મથુરાનાં પ્રખ્યાત મંદિરોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ધમકી મળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને બોમ્બ સ્કવોડ તથા ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ધમકીભર્યા ઈ-મેઇલમાં ‘ખાલિસ્તાન નેશનલ આર્મી’ નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. સંદેશમાં ગુજરાત હાઇકોર્ટમાં બપોરે 1:11 વાગ્યે વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયને પણ નિશાન બનાવવાની ચેતવણી મળતાં સુરક્ષા એજન્સીઓએ સરકારી કચેરીઓની સુરક્ષા અંગે સતર્કતા વધારી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં બપોરે 3:11 વાગ્યે વિસ્ફોટ કરવાની ધમકીનો પણ ઉલ્લેખ સામે આવ્યો છે. આ ઈ-મેઇલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટ પરિસરમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી. સમગ્ર પરિસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે. બીજી તરફ, ઈ-મેઇલ મોકલનારની ઓળખ અને સંદેશ પાછળના હેતુ અંગે પોલીસ તથા સાયબર ટીમ તપાસ કરી રહી છે.
આ ધમકી માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત હોવાના બદલે દેશનાં અન્ય સંવેદનશીલ સ્થળોનો પણ ઉલ્લેખ કરતી હોવાનું સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશના અયોધ્યા, કાશી એટલે કે વારાણસી અને મથુરાનાં ધાર્મિક સ્થળો તથા મંદિરોને નિશાન બનાવવાની ચેતવણી પણ ઈ-મેઇલમાં હોવાનો દાવો છે. આ શહેરોમાં પણ અગાઉ ધમકીભર્યા સંદેશ મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. હાલ ગુજરાત હાઇકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને મળેલી ધમકીની તપાસ ચાલી રહી છે. ઈ-મેઇલનો સ્ત્રોત, તેને મોકલનાર વ્યક્તિ અને અગાઉ મળેલી ધમકીઓ સાથે તેની કોઈ કડી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ધમકીની સત્યતા અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. ત્યાં સુધી સુરક્ષા એજન્સીઓ સતર્કતા રાખી રહી છે.