ગાંધીનગર : ગીરના ગૌરવ સમાન એશિયાટિક સિંહો પર ફરી એકવાર જીવલેણ બેબીસિયા વાયરસનું સંકટ ઊભું થયું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ગીર વિસ્તારમાં પાંચ સિંહોના મોત થયાની પુષ્ટિ થતાં વન વિભાગ સહિત પ્રકૃતિપ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. વર્ષ 2018 બાદ ફરી એકવાર બેબીસિયા રોગચાળો જોવા મળતા વન વિભાગ સતર્ક બન્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોનીટરીંગ વધારવામાં આવ્યું છે.
વન વિભાગના પીસીસીએફ જયપાલસિંઘેએ જણાવ્યું હતું કે બેબીસિયા રોગના કારણે બે સિંહ બાળના મોત થયા છે. બે સિંહના મોત કુદરતી છે અને એક સિંહનું ઈનફાઈટમાં મૃત્યુ થયુ છે. ગીર પશ્ચિમ અને ગીર પૂર્વની સીમા વિસ્તારમાં સિંહોના ગ્રુપમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. અસરગ્રસ્ત સિંહોના રક્ષણ માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂર જણાય ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.
બીજી તરફ રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વાયરસગ્રસ્ત સિંહોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર માત્ર બે સિંહોના મોત શંકાસ્પદ છે, જ્યારે અન્ય સિંહોના મોત કોન્ફ્લિક્ટ અથવા કુદરતી કારણોસર થયા છે. તેમણે જણાવ્યું હતું કે બેબીસિયા ઈતરડી જેવી જીવાતથી ફેલાતો વાયરસ છે, જેના કારણે પ્રાણીઓમાં નબળાઈ આવે છે અને ગંભીર સ્થિતિમાં મોત પણ થઈ શકે છે. હાલ વન વિભાગની ટીમ સક્રિય રીતે તપાસ કરી રહી છે અને વાયરસગ્રસ્ત સિંહોને શોધી સારવાર આપવામાં આવી રહી છે.
માહિતી મુજબ ધારી નજીક સરસીયા રેંજ હેઠળના ઝર ગામના રેવન્યુ વિસ્તારમાંથી આઠ સિંહોના એક ગ્રુપને જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ગીર પશ્ચિમના જશાધાર રેંજ વિસ્તારમાં એક જ દિવસમાં બે સિંહોના મોત થતાં વન વિભાગે અન્ય સિંહોના સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.
વન વિભાગના જણાવ્યા મુજબ હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં સિંહોને આઈસોલેટ કરીને તેમની સતત તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ સિંહમાં રોગના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. લીલીયા અને સાવરકુંડલા વિસ્તારમાં પણ છેલ્લા એક માસ દરમિયાન બીમારીના કારણે કેટલાક સિંહબાળના મોત થયાના અહેવાલો સામે આવ્યા છે.વન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે ગીરમાં હાલ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને રોગચાળો વધુ ફેલાય નહીં તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.