અમદાવાદ:
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર અધિકમાસ નિમિત્તે હરિભક્તો માટે વિશેષ આધ્યાત્મિક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દર મંગળવારે “સંગીતમય સુંદરકાંડ પાઠ”નું આયોજન કરવામાં આવશે.
સાળંગપુરધામના સત્તાવારા સુત્રોના જણાવ્યા પ્રમાણે તા. ૧૭ મેથી ૧૫ જૂન, ૨૦૨૬ દરમિયાન અધિકમાસના પવિત્ર અવસરે દર મંગળવારે આ ભક્તિમય કાર્યક્રમ ધામધૂમથી યોજાશે. સુંદરકાંડ પાઠ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાઈ હનુમાનજી પ્રત્યેની આસ્થા વધુ ગાઢ બનશે.
જે કોઈ સુંદરકાંડ મંડળ દ્વારા અહીં પાઠ કરાવવા ઇચ્છતા હોય, તે તમામ હરિભક્તો અને મંડળોએ અગાઉથી મંદિરનો સંપર્ક કરવાનો રહેશે. પાઠ કરનાર મંડળો માટે મંદિર તરફથી ઉત્તમ સાઉન્ડ સિસ્ટમની નિઃશુલ્ક વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.