Gujarat

બ્રાઝિલથી આવેલા જહાજમાંથી મુંદ્રા દરિયા કાંઠેથી 1100 કરોડથી વધુનું કોકેઈન જપ્ત, ત્રણ ઝડપાયા

ગાંધીનગર, તા. 27

ગુજરાતમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો મોટો પર્દાફાશ થયો છે. બ્રાઝિલથી આવેલા એક જહાજમાંથી મુંદ્રા પોર્ટ નજીક દરિયામાંથી અંદાજે ૧૧૫ કિલોથી વધુ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા કોકેઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૧૧૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે.

રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ એ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ડ્રગ્સની ડિલિવરી દિલ્હીમાં આપવામાં આવવાની હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન દિલ્હીથી ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા બે આરોપીઓને મુંદ્રા નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે.

એટીએસની તપાસ મુજબ બ્રાઝિલથી આવેલા જહાજ મારફતે કોકેઈન ગુજરાતના દરિયાકાંઠે પહોંચાડવાની યોજના બનાવવામાં આવી હતી. દરિયામાં કાર્યવાહી દરમિયાન એક આરોપી જહાજમાંથી કૂદી ગયો હતો, જેને ઝડપી?લેવાની કાર્યવાહી ચાલી રહી છે . જહાજ માંથી એક આરોપી સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના તાર જોડાતા હોવાનું સામે આવી રહ્યું છે. તપાસ એજન્સીઓ હવે જહાજના રૂટ, સપ્લાય ચેઇન અને દેશના અન્ય રાજ્યો સાથેના કનેક્શન અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ જપ્તી ગુજરાતમાં છેલ્લા સમયની સૌથી મોટી ડ્રગ્સ કાર્યવાહીઓમાંની એક ગણાઈ રહી છે. સમગ્ર મામલે વિવિધ એજન્સીઓ સંયુક્ત તપાસ ચલાવી રહી છે.

Most Popular

To Top