ડ્રાઇવરોને ઓફિસમાં ઊંધા લટકાવી ઢોર માર મારી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો
વડોદરા તા.27
લીઝ પર કામ કરતા ડ્રાઇવરોને ઓફિસમાં બંધક બનાવ્યા બાદ ઊંધા લટકાવી ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર સહિત પાંચ લોકોએ ઢોર માર માર્યો હતો. આદિવાસી સમાજ દ્વારા સામે અન્ય કલમો ઉમેરવાની માંગણી સાથે રજૂઆત પણ થઈ હતી પરંતુ પોલીસે મેડિકલ સર્ટી ના આધારે આરોપીઓને નોટિસ ફટકારી હતી. દરમિયાન પાંચ આરોપી હાજર થતા તેમના અટકાતી પગલાં લીધા બાદ તમામને જામીન પર છુટકારો થયો હતો.
શિનોર તાલુકાના બકાપુરા ગામે બે આદિવાસી ટ્રક ડ્રાઈવરોને ઓફિસમાં બંધક બનાવ્યા બાદ ઊંધા લટકાવીને માર મારી અમાનવીય અત્યાચારના આક્ષેપોને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ તેમજ દેવેશ બાપુ, જાવેદ પઠાણ અને સાહિલ પઠાણ સહિત પાંચ લોકો સામે વલણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. નટવરભાઈ વસાવા અને ગિરીશભાઈ વસાવાને ઓફિસમાં બોલાવી બંધક બનાવી ઊંધા લટકાવી માર મારવામાં આવ્યો હોવાના ફોટા અને વીડિયો વાયરલ થતા મામલો ગરમાયો હતો. ત્રણ દિવસ સુધી ગુનો નોંધાયો નહીં હોવાના આક્ષેપ વચ્ચે ડીવાયએસપી પી.એમ. પટેલે તપાસ શરૂ કરી આરોપીઓને નોટિસ પાઠવી હતી. જોકે મેડિકલ સર્ટીમાં કોઈ ગંભીર પ્રકારની ઇજા જોવા મળી ન હતી. નોટિસ મળ્યા બાદ પાંચેય આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસે અટકાયતી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી બાદ તમામ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા.