પ્રધાનમંત્રી તથા રાજ્યપાલની અપીલને માન આપી નિર્ણય
પ્રતિનિધિ ગોધરા તા.27
પ્રધાનમંત્રી તથા રાજ્યપાલની ઈંધણ બચત, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ જીવનશૈલી અંગેની અપીલને માન આપતાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા એક પર્યાવરણલક્ષી અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે.
યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરીભાઈ કાતરીયાના સક્ષમ માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી હસ્તકના તમામ વિભાગો, શૈક્ષણિક ભવનો અને સંલગ્ન કોલેજોમાં હવેથી દર સોમવારે નો વ્હીકલ ડે તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે.
આ નિર્ણયના સફળ અમલીકરણ માટે યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝીક્યુટીવ કાઉન્સિલ તથા એકેડેમિક કાઉન્સિલના તમામ સભ્ય, વિવિધ વિદ્યાશાખાના ડીન , ભવનોના અધ્યક્ષ, તમામ સંલગ્ન કોલેજોના આચાર્યો, વહીવટી વિભાગોના ઓ.એસ.ડી.ઓ તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ સહિત વિદ્યાર્થીઓને દર સોમવારે પોતાના વ્યક્તિગત વાહનોનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
નો વ્હીકલ ડે ના દિવસે કેમ્પસમાં આવતા તમામ લોકોને શક્ય હોય ત્યાં સુધી સાયકલનો ઉપયોગ કરવા, જાહેર પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ) સેવાઓનો લાભ લેવા અથવા પગપાળા આવન-જાવન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પર્યાવરણ પ્રત્યેની આ જાગૃતિ માત્ર એક દિવસ પૂરતી સીમિત ન રહે તે માટે અઠવાડિયાના બાકીના દિવસોમાં પણ કાર પુલિંગ (એક જ વાહનમાં ભાગીદારી), સાયકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગને પ્રાધાન્ય આપવા અપીલ કરાઈ છે.
યુનિવર્સિટી પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ પહેલ માત્ર ઈંધણની બચત પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યે આપણી સામૂહિક જવાબદારી અદા કરવાનું અને અદ્યતન તેમજ ભાવિ પેઢી માટે એક સ્વચ્છ, પ્રદૂષણમુક્ત અને હરિત પરિસર (ગ્રીન કેમ્પસ)નું નિર્માણ કરવા તરફનું એક દૂરોગામી પગલું છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા તમામ વિભાગો, શંલગ્ન કોલેજો અને સમગ્ર યુનિવર્સિટી પરિવારને આ મહા-અભિયાનમાં સક્રિયપણે જોડાવા અને આપેલી સૂચનાઓનું ખૂબ જ ચુસ્તતાપૂર્વક પાલન કરવા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર: આશિષ બારીયા