Gujarat

રાજ્યના LRD ઉમેદવારોની પ્રતીક્ષાનો અંત: લેખિત પરીક્ષાની તારીખ જાહેર

લાંબા સમયથી LRDની લેખિત પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારોની પ્રતિક્ષાનો અંત આવ્યો છે. ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા આગામી 14 જૂનના રોજ યોજાશે. શારીરિક પરિક્ષા પૂર્ણ થયા બાદ હવે લેખિત પરીક્ષાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા અને લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ રાહતના સમાચાર છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા અંતર્ગત લેખિત પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શારીરિક કસોટી (ગ્રાઉન્ડ) માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી 14 જૂન, 2026ના રોજ આયોજિત કરવામાં આવશે.

ભરતી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા માટેના કોલલેટર 6 જૂનથી ઓજસ (OJAS) પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોલ લેટરમાં પરીક્ષા કેન્દ્ર, સમય અને જરૂરી માર્ગદર્શિકા પણ કોલલેટરમાં દર્શાવવામાં આવશે. ઉમેદવારોને સમયસર પોતાનું કોલલેટર ડાઉનલોડ કરી પરીક્ષા માટેની તમામ તૈયારી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.

ભરતી બોર્ડના જાહેરનામા ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, ઉમેદવારો પરીક્ષા માટેના પોતાના હોલ ટિકિટ એટલે કે કોલલેટર આગામી 6 જૂન, 2026થી ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોએ આ માટે રાજ્ય સરકારના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ ઓજસ (https://ojas.gujarat.gov.in) પર જઈને વિગતો સબમિટ કરવાની રહેશે. ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સમયસર કોલલેટર ડાઉનલોડ કરી લેવા અને તેમાં આપેલી પરીક્ષા અંગેની તમામ જરૂરી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લેવા તાકીદ કરવામાં આવી છે.

Most Popular

To Top