એક નાનકડા ગામમાંથી પરણીને સવિતા મોટા શહેરમાં આવી.મધ્યમવર્ગીય સાસરું હતું પણ બધાં ખુશ હતાં.લગ્નનાં થોડાં વર્ષોમાં બે બાળકો થયાં, પછી પતિનું પ્રમોશન થયું,નણંદનાં લગ્ન કર્યાં, થોડા વર્ષ બાદ સસરાજીનું અવસાન થયું.સવિતાબહેને બધા સંજોગમાં ઘરને જાળવ્યું. અચાનક એક એકસીડન્ટમાં તેમના પતિનું મૃત્યુ થયું અને જાણે વ્રજાઘાત થયો, નાનકડાં બાળકો, બીમાર સાસુ ઘરમાં કમાનાર કોઈ નહિ અને પોતાનું ભણતર પણ સાવ ઓછું.બહુ મોટી જવાબદારી આવી પડી હતી અને દુઃખ અને જવાબદારીના અંધકારમાં ક્યાંયથી માર્ગ દેખાતો ન હતો.ઘણાં લોકો વ્યવહારુ સલાહ આપતા કે સાસુને વૃદ્ધાશ્રમમાં મૂકી દે અને તું બાળકોને લઈને પિયર જતી રહે.આ સિવાય બીજો કોઈ રસ્તો નથી.અહીં કેવી રીતે રહેશો, બચત પૂરી થતાં ગુજરાન કઈ રીતે ચાલશે? એકલી સ્ત્રી આટલી જવાબદારી કેમ ઉપાડી શકશે?

સવિતા આ બધી સલાહ સાંભળી રહી હતી પણ તેનું મન માનતું ન હતું, તેને પોતાનાં સાસુને ઘરની યાદોથી દૂર કરવાં નહોતાં, પોતે પિયરમાં ભારરૂપ બનવું ન હતું.તેણે મન મક્કમ કર્યું અને કમર કસી.ભણતર નહોતું પણ ગણતર અને આવડત હતી.પોતાની રસોઈ બનાવવાની, નાસ્તા બનાવવાની, અથાણાં બનાવવાની, આવડત કામે લગાડી. સૌથી પહેલાં પાડોશીની મદદ લઇ નાનું નાનું વેચાણ શરૂ કર્યું.ટીફીન સેવા શરૂ કરી, સિઝનમાં અથાણાં અને પાપડ પણ બનાવવાની શરૂઆત કરી.
સવિતા રાત દિવસ મહેનત કરે, તેની મહેનતમાં બંને બાળકો અને બીમાર સાસુ પણ સતત મદદ કરે. ધીમે ધીમે કામ જામવા લાગ્યું અને ઓર્ડર મળવા લાગ્યા.
આમ મહેનત કરતાં કરતાં ત્રણ વર્ષ વીતી ગયાં.સવિતાએ બધી જ જવાબદારી પૂરી કરી અને બખૂબી નિભાવી.સલાહો આપવાવાળાઓનાં મોઢાં બંધ થઈ ગયાં. હવે બધાં તેમની હિંમત અને મહેનતનાં વખાણ કરવા લાગ્યાં. હવે સવિતાના સ્વાદનું નામ થઈ ગયું, લોન લઈને બિઝનેસ આગળ વધાર્યો. દસથી પંદર નિરાધાર બહેનોને સવિતાએ રોજગાર આપ્યો અને તેમને પણ જીવનમાં સ્વાભિમાનથી જીવવાની તક આપી. સવિતાના ગામનાં લોકોએ તેમનું સન્માન કર્યું અને ત્યારે મંચ પરથી તેણે બહુ સરસ વાત કરી કે, ‘દરેક સ્ત્રી એક શક્તિ તે જે કરવા ઈચ્છે તે કરી શકે છે. તેનો અડગ નિર્ધાર તેને સફળતા અપાવે જ છે.
તમારામાંથી ઘણાએ મને પિયર જઈ ભારે પડવાની ઘરમાં બેસવાની સલાહ આપી હતી.ઘણાં એમ વિચારતાં હતાં કે એકલી સ્ત્રી આ બધી જવાબદારી કઈ રીતે નિભાવશે? પણ મારી તમને બધાને વિનંતી છે કે સ્ત્રી અબળા નથી. તે જયારે નક્કી કરે ત્યારે જીવનની દરેક જવાબદારી નિભાવી શકે છે.તમે બધા તેને એકલી જાણી બિચારી ન ગણતાં. તેને સાથ આપજો.આગળ વધવા તક આપજો.મારા કામમાં હું આ તક મારા જેવી બહેનોને આપું જ છું.’ દરેક સ્ત્રીની ઈચ્છાશક્તિ તેની મોટી મૂડી છે. તે ઈચ્છે તે કરી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.