Editorial

SIR મામલે સુપ્રીમ કોર્ટે તો ચુકાદો આપી દીધો પણ હવે યોગ્ય પ્રક્રિયા કરવાની જવાબદારી ચૂંટણીપંચની રહેશે

તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતે મતદાર યાદીઓના વિશેષ અને ગહન પુન:નિરીક્ષણ એટલે કે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન અંગે ઐતિહાસિક અને દીર્ધદ્રષ્ટિપૂર્ણ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની આ પ્રક્રિયાને સંપૂર્ણપણે કાયદેસર અને બંધારણીય જાહેર કરી છે. આ ચુકાદો માત્ર કાયદાકીય દ્રષ્ટિએ જ નહીં, પરંતુ દેશની ચૂંટણી પ્રણાલીમાં નાગરિકોના વિશ્વાસને અકબંધ રાખવા માટે પણ અત્યંત પ્રાસંગિક છે.

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો યથાયોગ્ય જ છે પરંતુ જે સમસ્યા છે તે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન કેવી રીતે કરવામાં આવે છે તેની છે.  આ સમગ્ર વિવાદની શરૂઆત બિહારની ચૂંટણીઓ પૂર્વે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી વ્યાપક મતદાર યાદી સુધારણા ઝુંબેશથી થઈ હતી. અરજદારો દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આ પ્રક્રિયા અંતર્ગત મોટા પાયે નામો કાઢી નાખવામાં આવ્યા છે અથવા ફેરફાર કરવામાં આવ્યા છે, જે જનપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. આ પ્રક્રિયાને ગેરબંધારણીય અને મનસ્વી ગણાવીને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી હતી.

મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે તમામ પક્ષોની દલીલોને ઝીણવટપૂર્વક સાંભળ્યા બાદ તમામ અરજીઓને ફગાવી દીધી હતી. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ચૂંટણી પંચે તેની બંધારણીય સત્તાઓની મર્યાદામાં રહીને જ કામ કર્યું છે અને મતદાર યાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે આવી પ્રક્રિયાઓ અનિવાર્ય છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 324 અંતર્ગત ચૂંટણી પંચને દેશમાં ચૂંટણીઓનું નિર્દેશન, નિયંત્રણ અને આયોજન કરવાની વ્યાપક સત્તાઓ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં આ જ બંધારણીય જોગવાઈને પુનઃરેખાંકિત કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે, “મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવી એ ચૂંટણી પંચની પરમ બંધારણીય ફરજ છે.

મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારની ગરબડ ન રહે અને માત્ર સાચા વયસ્ક નાગરિકો જ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે જોવાની જવાબદારી પંચની છે. આ માટે SIR જેવી ઝુંબેશ ચલાવવી એ તેની મૂળભૂત સત્તાઓનો જ એક ભાગ છે.” કોઈપણ જીવંત લોકશાહીમાં ‘એક નાગરિક, એક મત’ નો સિદ્ધાંત ત્યારે જ સાર્થક બને છે જ્યારે મતદાર યાદી સો ટકા શુદ્ધ હોય. બોગસ મતદાન, એક જ વ્યક્તિના અલગ-અલગ જગ્યાએ નામો હોવા અથવા મૃત્યુ પામેલા લોકોના નામો યાદીમાં ચાલુ રહેવા જેવી ત્રુટીઓ લોકશાહીના જનાદેશને નબળો પાડે છે. ચૂંટણી પંચની આ સત્તાને માન્ય રાખીને કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પ્રક્રિયાગત બાબતોમાં અકારણ ન્યાયિક હસ્તક્ષેપ લોકશાહીના હિતમાં નથી.આ ચુકાદાનું સૌથી મહત્વનું પાસું એ છે કે અદાલતે નાગરિકતા અને મતાધિકાર વચ્ચેના કાનૂની તફાવતને ખૂબ જ સચોટ રીતે સમજાવ્યો છે.

સામાન્ય રીતે સમાજમાં એવી ગેરસમજ પ્રવર્તે છે કે જો કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી કટી જાય, તો તેની ભારતની નાગરિકતા જોખમમાં આવી જાય છે. સર્વોચ્ચ અદાલતે આ ભય અને ગેરસમજને દૂર કરતા સ્પષ્ટ કર્યું છે કે, નાગરિકતા પર કોઈ અસર નહીં: મતદાર યાદીમાંથી નામ દૂર થવાથી કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતા રદ થઈ જતી નથી. ભારતની નાગરિકતા નક્કી કરવાનો કે તેને રદ કરવાનો કાનૂની અધિકાર દેશના ચૂંટણી પંચ પાસે નથી. પંચનું કાર્ય માત્ર યોગ્ય અને લાયક મતદારોની યાદી તૈયાર કરવાનું છે. આ સ્પષ્ટતાથી દેશના લઘુમતી કે વંચિત વર્ગોમાં ફેલાતી અફવાઓ અને અસુરક્ષાની ભાવના પર કાયમી વિરામ લાગશે.

અદાલતે એક તરફ ચૂંટણી પંચની સત્તાઓને સમર્થન આપ્યું છે, તો બીજી તરફ વહીવટી તંત્ર મનસ્વી રીતે કામ ન કરે તે માટે કુદરતી ન્યાયના સિદ્ધાંત (Principle of Natural Justice) પર પણ એટલો જ ભાર મૂક્યો છે. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, મતદાર યાદીમાંથી કોઈપણ વ્યક્તિનું નામ હટાવતા પહેલા સંબંધિત નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. પક્ષ રજૂ કરવાની તક: જે-તે વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાની પૂરતી તક આપવી ફરજિયાત રહેશે. ચૂંટણી પંચ ઓળખની ખરાઈ માટે આધાર કાર્ડ કે અન્ય અધિકૃત દસ્તાવેજોની માંગણી કરી શકે છે અને આ પ્રક્રિયાને ‘મનસ્વી’ કે ‘ગેરકાયદેસર’ ગણાવી શકાય નહીં. સત્તાની સાથે જવાબદારી પણ એટલી જ મહત્વની છે. વહીવટી તંત્રની કોઈ ભૂલને કારણે કોઈ સાચો નાગરિક પોતાના પવિત્ર મતાધિકારથી વંચિત ન રહી જવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સ્પષ્ટ રીતે આપ્યો છે પરંતુ આ ચુકાદા બાદ હવે ચૂંટણી પંચની જવાબદારીઓ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે SIRને યોગ્ય ઠેરવવાની સાથે એ પણ જણાવ્યું છે કે, મતદારયાદીમાંથી નામ કમી કરતાં પહેલા જે તે મતદારને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવાની રહેશે. એટલે કે કોઈ એક વ્યક્તિ કહે અને મતદારનું નામ યાદીમાંથી કાઢી શકાશે નહીં. કેન્દ્રીય ચૂંટણીપંચે જ્યારે પણ SIRની પ્રક્રિયા કરવાની થાય ત્યારે રાજ્ય ચૂંટણીપંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી સુધારણામાં કોઈ ગરબડ તો કરવામાં આવી રહી નથીને તેની તકેદારી રાખવી પડશે. જો ચૂંટણીપંચ પોતાની ફરજ ભૂલશે તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો નિર્થરક ઠરશે તે નક્કી છે.

Most Popular

To Top