રાજ્યભરમાં કુલ 14 હજાર બેઠકો ઉપલબ્ધ, 30 જૂન સુધી ઓનલાઈન અરજી કરવાની તક
( પ્રતિનિધિ ) વડોદરા, તા.28
ગુજરાત સરકાર સંચાલિત સમરસ કુમાર અને સમરસ કન્યા છાત્રાલયોમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના વડોદરા સહિત 12 શહેરોમાં આવેલી સમરસ હોસ્ટેલોમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે.
સ્નાતક, અનુસ્નાતક તેમજ અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા ઇચ્છતા નવા તથા રીન્યુ વિદ્યાર્થીઓ આગામી 30 જૂન 2026 સુધી સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. પ્રવેશ પ્રક્રિયામાં SC, ST, SEBC અને EWS વર્ગના વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે.
આ વર્ષે રાજ્યભરની તમામ સમરસ હોસ્ટેલોમાં મળી કુલ 14,000 બેઠકો ઉપલબ્ધ રાખવામાં આવી છે. જેમાં કુમારો માટે 7,250 બેઠકો અને કન્યાઓ માટે 6,750 બેઠકો ફાળવવામાં આવી છે.
અમદાવાદ, ભાવનગર, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોમાં કુમારો માટે 1,000 તથા કન્યાઓ માટે 1,000 એમ કુલ 2,000 બેઠકો ઉપલબ્ધ રહેશે. જામનગરમાં કુમાર અને કન્યા બંને માટે 500-500 બેઠકો રાખવામાં આવી છે. ગાંધીનગરમાં માત્ર સમરસ કુમાર છાત્રાલય કાર્યરત હોવાથી ત્યાં 500 બેઠકો ઉપલબ્ધ રહેશે.
જ્યારે આણંદ, હિંમતનગર, પાટણ, ભુજ અને મોડાસા શહેરોમાં કુમારો માટે 250 અને કન્યાઓ માટે 250 એમ કુલ 500 બેઠકો ઉપલબ્ધ રહેશે.
વિદ્યાર્થીઓ શહેરવાર બેઠકોની વિગતવાર માહિતી તેમજ અરજી પ્રક્રિયા માટે સત્તાવાર પોર્ટલની મુલાકાત લઈ શકે છે. રહેવા અને જમવાની સુવિધા સાથે ઉચ્ચ અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ યોજના મહત્વપૂર્ણ તક બની રહી છે.