Vadodara

વડોદરા : એમડી ડ્રગ્સનો સપ્લાયર આખરે ઝડપાયો

એક વર્ષથી પોલીસને ચકમો આપતો સલમાન પઠાણ ને મધ્યપ્રદેશથી ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

વડોદરા તા.28

વડોદરા શહેરમાં એમડી ડ્રગ્સના કાળા કારોબાર સામે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે શહેર એસઓજીએ મોટી સફળતા મેળવી છે. મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ અલગ એનડીપીએસ ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા કુખ્યાત સપ્લાયર સલમાન પઠાણને મધ્યપ્રદેશના ઇન્દોર-મંદસૌર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના નેટવર્કને તોડવા માટે વડોદરા શહેર એસઓજીએ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન મોહંમદ જુબેર ઉર્ફે સલમાન ઉર્ફે જાવેદ અબ્દુલરહીમ ખાન ઉર્ફે સલમાન પઠાણનું નામ બંને ગુનામાં સપ્લાયર તરીકે સામે આવ્યું હતું. લાંબા સમયથી ફરાર આરોપી મધ્યપ્રદેશના મંદસૌર વિસ્તારમાં છુપાઈ રહ્યો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે દબિશ કરી તેને ઝડપી પાડ્યો હતો.
માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં 77.870 ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે રૂ.7.84 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. જ્યારે મકરપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં 51.97 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે રૂ.5.39 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બંને કેસમાં અગાઉ કેટલાક આરોપીઓ ઝડપાઈ ચૂક્યા હતા, પરંતુ મુખ્ય સપ્લાયર તરીકે સલમાન પઠાણની શોધખોળ ચાલી રહી હતી.
પોલીસે આરોપીની કાયદેસરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસમાં નશીલા પદાર્થોના મોટા નેટવર્ક અંગે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top