Sanjeli

સંજેલી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો: 16માંથી 11 બેઠકો પર વિજય

કોંગ્રેસને 3 અને AAPને 2 બેઠકો, જિલ્લા પંચાયતની ચમારીયા–હીરોલા બેઠકો ભાજપના ખાતામાં
તાલુકા સ્તરે કેસરિયો માહોલ મજબૂત, અનેક વિસ્તારોમાં ભાજપનો એકતરફી પ્રભાવ

સંજેલી:
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે પ્રભાવી પ્રદર્શન કરતાં કુલ 16માંથી 11 બેઠકો પર વિજય મેળવી તાલુકા પંચાયત પર સ્પષ્ટ બહુમતી તરફ મજબૂત સ્થાન બનાવ્યું છે. કોંગ્રેસને 3 બેઠકો મળતાં તે મર્યાદિત રહી હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ 2 બેઠકો જીતતા પોતાની હાજરી નોંધાવી છે.
જિલ્લા પંચાયતની ચમારીયા અને હીરોલા બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો વિજેતા બનતાં જિલ્લામાં પક્ષનો દબદબો વધુ મજબૂત બન્યો છે. તાલુકા પંચાયતની ભમેલા, ગોવિંદાતળાઈ, કરંબા-1, સંજેલી-1, અણીકા, ચમારીયા, માંડલી, મોલી, નેનકી, પીછોડા અને જુસ્સા બેઠકો ભાજપના ખાતામાં ગઈ હતી. જ્યારે હીરોલા-1, હીરોલા-2 અને કરંબા-2 બેઠકો કોંગ્રેસે જીતેલી હતી તથા સંજેલી-2 અને ઢેડિયા બેઠકો પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો હતો.
પરિણામ જાહેર થતાં તાલુકાભરમાં ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને સ્થાનિક રાજકારણમાં ભાજપનું પ્રભુત્વ વધુ મજબૂત બન્યું હોવાનું સ્પષ્ટ થયું છે.

રિપોર્ટર: કપિલ સાધુ

Most Popular

To Top