સૂકવેલા કપડાં લેવા જતા પુત્રને લાગ્યો કરંટ, બચાવવા ગયેલી માતા પણ બની શિકાર
બંનેને SSG હોસ્પિટલ ખસેડાયા, ડોક્ટરોએ મૃત જાહેર કર્યા
વડોદરા તા.28
વડોદરા જિલ્લાના અનગઢ ગામમાં વીજકરંટ લાગવાના કરુણ બનાવમાં માતા અને પુત્રના મોત થતાં વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘરમાં સૂકવેલા કપડાં લેવા પુત્રને કરંટ લાગ્યો હતો જ્યારે માતા બચાવવા જતા તેઓ પણ વિજ કરંટનો ભોગ બની ગયા હતા. પોલીસે બંનેના મૃતદેહના પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના અનગઢ ગામમાં આવેલા ઇન્દિરા આવાસના મકાનમાં રહેલા પરિવાર માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો હતો. ઘરમાં સૂકવેલા કપડાં લેવા માટે પહેલા પુત્ર ગયો હતો, ત્યારે અચાનક તેને વીજકરંટ લાગ્યો હતો.
પુત્રને બચાવવા માટે માતા તરત જ ત્યાં પહોંચી હતી, પરંતુ દુર્ભાગ્યવશ તેઓ પણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ પુત્ર સુરેશ ડાહ્યાભાઈ કટારિયા અને માતા લખીબેન ડાહ્યાભાઈ કટારિયાને મૃત જાહેર કર્યા હતા. આ પરિવાર મૂળ પાદરાના ડબકા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એક જ પરિવારના બે સભ્યોના અચાનક મોતથી પરીવારના સભ્યોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.