Business

દેખ તેરે સંસારકી હાલત..!

મારું મગજ કોઈ શકિતપીઠ હોય એમ, વિચાર તો આજે પણ સારા જ આવે બોસ..! વિષય વાંચીને જ ખ્યાલ આવશે કે, ચમનિયાની બીજી બાજુ ધર્મ-ધુરંધરની પણ છે..! યાર, હસાવવા માટે રોજે રોજ મુદ્દા કાઢવા ક્યાંથી? ટાઈટલ વાંચીને રખે ઝબકતા કે, અમને બાવા બનાવવાનાં કે શું..? જો કે એમ પણ તમે રજવાડી વાઘા કાઢીને બાવા બનવાના તો નથી જ..!
ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન,
 ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.!!

થયું એવું કે, કોઈ મોટરની અડફટે આવે, તો હું ગઈ કાલે એક કથાકારની અડફટે આવી ગયો. એમાં આધ્યાત્મિક વાઈબ્રેશન મગજમાં ઘુસી ગયો. ‘સંગ તેવો રંગ’તો લાગે જ ને મામૂ..! એનો પણ વાંધો નહિ, પણ અડધી જીવનયાત્રા કાઢ્યા પછી આવ્યો..! મધદરિયે વહાણ હોય ને તોફાન આવે તો પામર માનવી કરી પણ શું શકે..? એના જેવું થયું..! કથાની અસર એવી થઇ કે, એ પણ ભૂલી જવાયું કે, હું તો સંસારી છું . વાઈફ અને છોકરાની રોકડી સિલ્લક છે. આડઅસર એવી થઇ કે, સ્થળ ઉપર જ ભગવાં ધારણ કરી લેવાનું ઝનૂન ઉપડ્યું..! મગજમાં હથોડા પડવા માંડેલા કે, ‘જીવનમાં કોઈ કંસાર નથી. આ સંસાર અસાર છે.’પણ માયા બડી ચીજ હૈ ન..? અડધા ઓઢ્યાં ને અડધા પાથર્યાં હોય તો, સંસાર રેઢો મૂકીને બાવા પણ કેમ બનાય..? ડર લાગ્યો કે, વાઈફે ‘સ્વામી..સ્વામી’ની રાડ નાંખી તો? જો કે ઝનૂન ઉપડે તો એને પણ પહોંચી વળાય..! પણ લેણદારો એટલા કે, ભગવાં પણ ફાડી નાંખે..! બાકી, કસ્સમથી કહું કે, ઝોલો ઊંચકીને ચાલતી પકડવાનું ખુન્નસ તો ચઢી જ ગયેલું .!

બાપુએ ખાતરી કરાવી દીધેલી કે, ભગવાનને કારણે જ પૃથ્વી ઉપર પાર્સલો ‘ટચ’ થતાં હોય છે. એની ભક્તિ પણ કરવી જોઈએ. ખૂબીની વાત એ કે, કોઇ પણ કંપની મશીનરી પાર્સલ કરે, તેની સાથે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો એનું ફરફરિયું પણ આપે. ભગવાનને ત્યાં આવી સીસ્ટમ નહિ, એટલે પૃથ્વી ઉપર જઈને જેવો કાંદો કાઢવાનો હોય એવો કાઢે, એમ રમતા નાળિયેરની માફક ‘નાગડા ને નાગડા’રવાના કરી દીધેલા. જા, હવે હાથ-પગ હલાવીને સંસારનો મહાસાગર તર્યા કર…! આધિ-વ્યાધિ ને ઉપાધિનાં ત્રણ ‘સ્ટમ્પ’આગળ જે જીવતરનો એક નિયમ છે, જે ઊંઘતા હોય એના માટે ‘જાગતે રહો’બોલવું પડે અને જે જાગે છે એના માટે ‘હસતાં રહો’બોલવું પડે..

હાસ્યને ટાવર પકડવાની જરૂર નથી. જીવનમાં પ્રેમ અને હાસ્ય હોય એ જ એનું WIFI..! ને એ જ જીવતરનો ચલણી સિક્કો! એમાં ગુજરાતી એટલે પ્રેમલક્ષણા પ્રકૃતિનાં પ્રેમી. વિશ્વનાં એવાં પ્રવાસી કે, આખા વિશ્વમાં પથરાયેલાં. બારે માસ ચાલે એટલું અનાજ ભરે એમ, હાસ્ય અને પ્રેમનો પણ ‘સ્ટોક’ કરવાની ત્રેવડ ધરાવે. પછી હસવામાં જે કંજૂસાઈ કરે, એને ગુજરાતી થોડા કહેવાય?
ડાહ્યો બની જાય. કારણ વગરનો પણ વરસી જાય.
પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ
કોઈ જાને પ્રેમકો તો યહાં જુદા રહે ના કોઈ.

જો કે, પ્રેમના ઉભરા પણ વિવેકપૂર્ણ હોય. નહિ તો ચાહમાં ડૂબેલી બિસ્કીટને બહાર કાઢવા માટે, બીજી બિસ્કીટનો ઉપયોગ કરીએ તો તે પણ ડૂબી જાય! બાવાના બેઉ બગડે. એને ‘પ્રેમરંગ ઘાતકની જવાળા’કહેવાય..! પ્રેમમાં ફાવી ગયા તો હર્ષદ મહેતા, પરણી ગયા તો તારક મહેતા, નહીં તો પછી નરસિંહ મહેતા! વગાડો કરતાલ ને ભૂલી જાવ નૈનીતાલ! નહિ જોવાનું જોવામાં આવે યાર..! નદીનો કિનારો હોય, ડુંગરાની ટોચ હોય, દરિયાનો પટ હોય કે, અવાવરુ ગલી હોય, ત્યાં પ્રેમીજનોનાં ધામા અને સરનામાં હોય! આ બધાં સ્થળો ‘લીઝ’ઉપર લીધાં હોય એમ, ભમરાઓ ત્યાં ભમતા જ હોય. એ જગ્યા જ એવી કે, વગર ટાવરે WIFI પકડે! જો કે, આ બધી કુદરતી ચેષ્ટા છે. એકબીજાને પ્રેમ કરવો, એકબીજા પ્રત્યે આદર કરવો, એકબીજાની કાળજી રાખીને, ‘ઈમોશનલ’જોડાણમાં રહેવું, ખોટું નથી. ગુરુત્વાકર્ષણનો નિયમ શોધનારને જો મહત્ત્વ અપાતું હોય તો, આકર્ષણને મહત્ત્વ આપવું અપરાધ નથી. એકબીજાની ભાવનાત્મક સંભાળ રાખતાં હોય તો ખોટું શું?

અમારા જમાનામાં ગુલાબનું ફૂલ આપવાની વાત તો દૂરની, કાંટાવાળું થુવારીયું પણ નહિ અપાતું. બાપાના કાને વાત ચઢી તો, સ્થળ ઉપર જ ધોઈ નાંખતા. નાવણિયા સુધી પણ નહિ જવા દે..! એ વખતે સંસ્કારની રસમ જ અલગ! ફિલમ ઉપર પણ લખાઈને આવતું કે, Only ફોર adult…! આજે તો દીકરો એક નંબરી તો બાપા દશ નંબરી પણ હોય, કહેવાય નહિ! પ્રેમિકાનાં ઘર આગળ જઈને પણ લલકારે કે, “આ જા તુઝકો પુકારે મેરા પ્યાર…! ને પેલી ‘આ જા આ જા મૈ હું પ્યાર તેરા’કરીને દોડતી પણ આવે..! એના કપાળમાં કાંદા ફોડું, શરમ શબ્દને કોઈ કાનો માત્રા જ નહિ..!

અમને આવી ફાવટ નહિ અને છૂટછાટ પણ નહિ. ગળાને સાયગલ સાહેબનાં ગીતો જ ફાવતાં. બહુ બહુ તો આઝાદીનાં, ગાંધીજીનાં કે રેંટિયાવાળાં ગીત જ લલકારતાં ને ચોમાસું આવે તો, મેહુલા ગાતા. એવું નહિ ફટકારતા કે, ‘મેરી સામને વાલી ખિડકીમેં એક ચાંદ સા ટુકડા રહેતા હૈ…! જો કે દિલના ખૂણામાં એકાદની જમાવટ રહેતી, પણ જાહેર નહિ કરતા..! અમારા વખતે ગામની એક એક વ્યક્તિ CCTV કેમેરા જેવી. ઘરે ફરિયાદ પહોંચે એટલે બાપા, સમજી જતા કે, ધંતુરાની ડીપોઝીટ હવે પાકવા આવી છે..!

લાસ્ટ બોલ
કુંભમેળા ભરાય ત્યારે વાઈફોએ બહુ કાળજી રાખવાની. પતિને ચચરી આવે તેવું બોલવું નહિ. મને-કમને પણ પતિ માટે ડબલ પાવરની સોડા જેટલું વ્હાલ રાખવાનું. ભરોસો નહિ, સાધુઓની સંખ્યામાં વધારો કરી પણ નાંખે..! મમતા કુલકર્ણી જેવી સાધ્વી થઇ જતી હોય તો, ધંતુરાનો શું ભરોસો..? સહેજ વાંકુ પડે એટલે ભગવો ચઢાવી, વાઈફને કહી પણ નાંખે કે, ‘ભીક્ષાન્ દેહિ મૈયા..!’
તારા કપાળમાં કાંદા ફોડું..!

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top