Charotar

અડાસ બ્રિજ પાસે ડીવાયએસપીની કારનો અકસ્માત, શેરડીનો રસ પીતા બે લોકો કચડાયા

માતાજીના દર્શન કરીને પરત ફરતા શ્રમિક પરિવાર પર તૂટી પડ્યો કાળ, ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ
સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, અનેક લોકો ઈજાગ્રસ્ત; કાર ચાલક ડીવાયએસપી પણ હોસ્પિટલમાં દાખલ

(પ્રતિનિધિ) આણંદ
આણંદ જિલ્લાના વાસદ પોલીસ મથકની હદમાં નેશનલ હાઈવે નં. 48 પર આવેલા અડાસ બ્રિજ નજીક ગુરુવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલો એક શ્રમિક પરિવાર રસ્તામાં વિસામો લેવા અને શેરડીનો રસ પીવા માટે ઉભો રહ્યો હતો, ત્યારે જ બેફામ ઝડપે ધસી આવેલી એક લાલ રંગની કારે પરિવારના સભ્યો સહિત બે લોકોને કચડી નાખતાં ઘટનાસ્થળે ચીખિયારીઓ ગુંજી ઉઠી હતી.
અમદાવાદના મણિનગર ખાતે રહેતા અને કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સંજયભાઈ મણીલાલ ડોડીયા તેમની પત્ની ચેતનાબેન અને અન્ય સંબંધીઓ સાથે અનગઢ ખાતે માતાજીના દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે તેઓ અડાસ બ્રિજ નજીક રાજવી હોટલ પાસે શેરડીનો રસ પીવા માટે ઉભા રહ્યા હતા. આ દરમિયાન ચેતનાબેન પાણી લેવા હોટલ તરફ ગયા હતા, ત્યારે પાછળથી જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો.
વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી લાલ રંગની કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું જ શેરડીના ચીચોડા પાસે ઉભેલા લોકોમાં ઘુસી ગયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે સંજયભાઈ ડોડીયા અને ખંભોળજના વતની શીતલબેન પરેશભાઈ તળપદાનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક શીતલબેનની નાની દીકરી માહી તળપદા પણ ઈજાગ્રસ્ત થઈ છે. ઉપરાંત મનોજભાઈ કચરાભાઈ કટારા અને કચરાભાઈ હગુભાઈ બારીયાને પણ ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં વાસદ પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે. ડોડીયા સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર કાર ચાલક બોટાદ ખાતે ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક (DYSP) એ.એ. સૈયદ હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતમાં તેમને પણ ઈજા પહોંચી હોવાથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ પોતે ઈજાગ્રસ્ત હોવા છતાં એ.એ. સૈયદે માનવતા દાખવી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ વાસદ પોલીસે ચેતનાબેન ડોડીયાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Most Popular

To Top