ઘર બહારથી જબરદસ્તી કારમાં બેસાડી લઈ જતાં પરિવાર ગભરાયો, મારકૂટ અને ધમકી આપ્યાનો આક્ષેપ
અટલાદરા પોલીસ અને એલસીબી ઝોન-2ની ત્વરિત કાર્યવાહીમાં યુવકનો સુરક્ષિત બચાવ, આરોપીઓની શોધખોળ તેજ
વડોદરા, તા. 29
વડોદરાના કલાલી વિસ્તારમાં નજીવી રકમની ઉઘરાણીના મુદ્દે એક યુવકનું અપહરણ કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. ચારથી વધુ શખ્સોએ યુવકને ઘર બહારથી જબરદસ્તી કારમાં બેસાડી હરણી વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસ પર લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં અટલાદરા પોલીસ અને એલસીબી ઝોન-2ની ટીમે ઝડપી કાર્યવાહી કરીને યુવકને સુરક્ષિત રીતે છોડાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, કલાલી વિસ્તારમાં રહેતો લવકુશ તિવારી કલરકામનો વ્યવસાય કરે છે. તેણે અગાઉ હરણી વિસ્તારમાં એક મકાનનું કલરકામ કર્યું હતું, જેમાં એક રૂમનું કામ બાકી રહ્યું હતું. આ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી મકાન માલિક અને તેના ઓળખીતાઓ દ્વારા કામ પૂર્ણ કરવા દબાણ કરવામાં આવતું હતું. યુવકના જણાવ્યા અનુસાર માત્ર રૂ. 2300ની બાબતમાં તેને નિશાન બનાવવામાં આવ્યો હતો.
બપોરના સમયે યુવક ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બ્લ્યુ કલરની કારમાં આવેલા શખ્સોએ તેને જબરદસ્તી ગાડીમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ આરોપીઓ ફરી યુવકના ઘરે પહોંચી ગાળો આપી મારકૂટ કરી ધમકીઓ પણ આપી હતી. બાદમાં યુવકને સમા-હરણી લિંક રોડ નજીક આવેલા એક ફાર્મહાઉસ પર લઈ જવાયો હતો.
ઘટનાની જાણ થતાં અટલાદરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. એલસીબી ઝોન-2ની ટીમે ટેક્નિકલ અને ફિલ્ડ ઇનપુટના આધારે કાર્યવાહી હાથ ધરી યુવકને સહીસલામત છોડાવ્યો હતો. બાદમાં યુવકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.