Halol

ઘનસરમાં ગેરકાયદે માટી ખનન પર પોલીસનો દરોડો, 2 હીટાચી અને 9 હાઇવા ટ્રક જપ્ત

DySP વી.જે. રાઠોડની નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો, રોયલ્ટી પાસ વિના માટી પરિવહન કરતા વાહન ઝડપાયું
તળાવમાં ધમધમતું ગેરકાયદે ખનન બહાર આવ્યું, જપ્ત વાહનો ખાણ-ખનીજ વિભાગને સોંપાયા
હાલોલ, તા. 29
હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઘનસર ગામે ગેરકાયદેસર માટી ખનન સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન અને પરિવહન કરવામાં આવતું હોવાનું બહાર આવતા પોલીસે 2 હીટાચી મશીન તથા 9 હાઇવા ટ્રક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, જિલ્લામાં ગેરકાયદેસર માટી, રેતી અને કપચી ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને હાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડ 27 મેની રાત્રે કોમ્બિંગ અને પેટ્રોલિંગમાં હતા. દરમિયાન રાત્રિના આશરે 1 વાગ્યે ગોપીપુરા ગ્રામ પંચાયત સામે એક હાઇવા ડમ્પર માટી ખાલી કરતું જોવા મળ્યું હતું.
પોલીસે ડમ્પર ચાલક પાસે રોયલ્ટી પાસની માંગણી કરતાં કોઈપણ પ્રકારનો માન્ય પાસ રજૂ કરી શક્યો ન હતો. જેના પગલે DySP રાઠોડે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજાને સ્થળ પર બોલાવી વધુ તપાસ શરૂ કરાવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજા, PSI જે.ડી. તરાલ અને સર્વેલન્સ ટીમના સ્ટાફે પકડાયેલા ડમ્પરના ચાલકની પૂછપરછના આધારે ઘનસર ગામના તળાવ સુધી પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્યાં બે હીટાચી મશીન તેમજ માટી ભરેલા અને ખાલી મળી કુલ 9 હાઇવા ડમ્પર મળી આવ્યા હતા, જેનો ઉપયોગ ગેરકાયદે ખનન માટે થતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
પોલીસે તમામ વાહનો અને મશીનોને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા. ત્યારબાદ સમગ્ર મુદ્દે આગળની કાયદેસરની કાર્યવાહી માટે મામલો ભુસ્તરશાસ્ત્રી તથા ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top