Editorial

યુરોપમાં વહેલી શરૂ થઇ ગયેલી સખત ગરમી સમગ્ર વિશ્વ માટે ચેતવણીરૂપ છે

ભારતમાં તો આ વર્ષે સખત ગરમી નવા નવા વિક્રમો રચી જ રહી છે ત્યારે યુરોપમાંથી પણ અહેવાલો આવવા માંડ્યા છે કે ત્યાં આ વર્ષે સમય કરતા વહેલી સખત ગરમી શરૂ થઇ ગઇ છે. મે મહિનામાં યુરોપિયન દેશોમાં ઉનાળા જામતા પહેલાની વસંત ઋતુનો સમયગાળો હોય છે પરંતુ આ વર્ષે ત્યાં મે મહિનામાં જ સખત ગરમી પડવા માંડી છે. પશ્ચિમ યુરોપના કેટલાક ભાગોમાં વસંતઋતુના હીટવેવનો પ્રકોપ દેખાત યુકેમાં મંગળવારે ૨૪ કલાકમાં બીજી વખત સદી જૂનો તાપમાનનો રેકોર્ડ તૂટ્યો હતો, જેના કારણે સરકારે જીવના જોખમ અંગેની ચેતવણીઓ જાહેર કરવી પડી છે. બ્રિટન અને ફ્રાન્સમાં ગરમીથી રાહત મેળવવા માટે પાણીમાં ગયેલા કેટલાક લોકોના ડૂબી જવાથી મોતના અહેવાલો પણ સામે આવ્યા છે.

બ્રિટનની હવામાન સેવા ‘મેટ ઓફિસ’ની નોંધ અનુસાર, લંડનના ક્યૂ ગાર્ડન્સ અને હીથ્રો એરપોર્ટ પર ૩૫ ડિગ્રી સેલ્સિયસ (૯૫ ડિગ્રી ફેરનહીટ) તાપમાન નોંધાયું હતું, જેણે એક દિવસ પહેલા જ ક્યૂ ગાર્ડન્સ ખાતે નોંધાયેલા ૩૪.૮ ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ કામચલાઉ આંકડાઓએ ૧૯૨૨માં સ્થપાયેલા અને ૧૯૪૪માં ફરી નોંધાયેલા ૩૨.૮ ડિગ્રી સેલ્સિયસના લાંબા સમયના રેકોર્ડને પણ મ્હાત આપી દીધી છે. ૩૦ ડીગ્રી ઉપરનું આ તાપમાન યુરોપના આ વિસ્તારના હિસાબે સખત ગરમી ગણી શકાય. લંડનમાં એક દુર્લભ ટ્રોપિકલ નાઇટ (ઉષ્ણકટિબંધીય રાત્રિ) પણ નોંધાઈ હતી, જે એવી રાત તરીકે વ્યાખ્યાયિત થાય છે જેમાં તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ (૬૮ ડિગ્રી ફેરનહીટ)થી નીચે નથી જતું.

ફ્રાન્સમાં પણ રેકોર્ડ તૂટ્યા હતા, જ્યાં સોમવારે દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસ (૯૭ ડિગ્રી ફેરનહીટ) સુધી પહોંચી ગયું હતું અને રાત્રિ દરમિયાન પણ મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું હતું. ત્યાંની રાષ્ટ્રીય હવામાન સેવા ‘મેટિયો-ફ્રાન્સ’એ જણાવ્યું કે, હાઈ-પ્રેશર વેધર ફ્રન્ટને કારણે ગરમી એક જ જગ્યાએ રોકાઈ રહેવાને લીધે હીટ ડોમ સર્જાયો છે, જેના કારણે વર્ષના આ સમયગાળા દરમિયાન સામાન્ય ગણાતા તાપમાન કરતાં ૧૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે.

પૃથ્વીના વધી રહેલા તાપમાન (ગ્લોબલ વોર્મિંગ)ને કારણે અણધાર્યું અને ભારે હવામાન વધુ વારંવાર જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે અભૂતપૂર્વ અને જીવલેણ હવામાનની આ ચરમસીમાઓ, જે ક્યારેક અસામાન્ય સમયે અને અણધારી જગ્યાઓ પર ત્રાટકે છે, તે વધુ લોકોને જોખમમાં મૂકી રહી છે. આયર્લેન્ડની મેનૂથ યુનિવર્સિટીના ‘આઈસીએઆરયુએસ ક્લાઈમેટ રિસર્ચ સેન્ટર’ના ડાયરેક્ટર પીટર થોર્ને જણાવ્યું હતું કે, આપણે કોઈપણ શંકા વિના જાણીએ છીએ કે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે થતા આબોહવા પરિવર્તનને લીધે આ પ્રકારની ગરમીના મોજાઓની ઘટનાઓ વધુ સંભવિત અને વધુ ગંભીર બની છે.

પરંતુ, તેમ છતાં, યુકે અને ફ્રાન્સમાં જે રેકોર્ડ તૂટી રહ્યા છે તે ખરેખર આશ્ચર્યજનક અને આંચકાજનક છે. યુકેમાં મંગળવારે લંડનમાં રોજ મુસાફરી કરતા લોકો એર કન્ડીશનીંગ વગરના સબવેના ડબ્બાઓમાં ગરમીથી અકળાઈ ગયા હતા. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીએ ગુરુવાર સુધી દેશના મોટા ભાગના વિસ્તારો માટે ‘એમ્બર હેલ્થ એલર્ટ’ જારી કરી છે, જેમાં ખાસ કરીને દિવસના સૌથી ગરમ કલાકો દરમિયાન વૃદ્ધ લોકોના સ્વાસ્થ્ય માટે સંભવિત જોખમની ચેતવણી આપવામાં આવી છે.

યુકે સામાન્ય રીતે મધ્યમ તાપમાન માટે ટેવાયેલું છે, અને ત્યાંના ઘણા ઘરો, શાળાઓ અને વ્યવસાયોમાં એર કન્ડીશનીંગ હોતું નથી. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, યુકેના તળાવો અને જળાશયોમાં ડૂબી જવાથી ઓછામાં ઓછા ત્રણ કિશોરોના મોત થયા છે અને દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં દરિયામાં એક ૬૦ વર્ષના વ્યક્તિનું મોત થયું છે. ફ્રેન્ચ સરકારના પ્રવક્તા મૌડ બ્રેજીયને જણાવ્યું હતું કે ઊંચા તાપમાનને કારણે સંભવિત રીતે ઓછામાં ઓછા સાત લોકોના મોત થયાના અહેવાલ છે, જેમાં પાંચ લોકો ડૂબી જવાથી અને બે લોકો રમતગમતની સ્પર્ધાઓ દરમિયાન મૃત્યુ પામ્યા છે.

આ વહેલી આવેલી હીટવેવ ઉનાળાના એ વાર્ષિક સમયગાળા પહેલાં જ ત્રાટકી છે જ્યારે લોકપ્રિય દરિયાકિનારા પર ન્હાવા પડતા લોકોની સુરક્ષા માટે લાઇફગાર્ડ તૈનાત હોય છે, જેના કારણે જોખમ વધી ગયું છે. ત્યાંના પ્રાદેશિક વહીવટકર્તાએ દરિયાકિનારે જનારા લોકોને ભારે સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. આ અકાળે આવેલી ગરમી સ્પેન સુધી પણ પહોંચી ગઈ છે, જ્યાં હવામાન સેવાના પ્રવક્તા રુબેન ડેલ કેમ્પોએ જણાવ્યું હતું કે અત્યારે મે મહિનામાં જ આપણને એવું તાપમાન જોવા મળી રહ્યું છે જે સામાન્ય રીતે આપણે ઉનાળાના મધ્યમાં જોતા હોઈએ છીએ.

તેમણે જણાવ્યું કે સેવિલેમાં વીકએન્ડ દરમિયાન તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, જ્યારે આઇબેરિયન દ્વીપકલ્પના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ૫ થી ૧૦ ડિગ્રી સેલ્સિયસ વધુ જોવા મળ્યું હતું. યુરોપમાં આ વહેલું સર્જાયેલું ગરમીનું મોજું સમગ્ર વિશ્વ માટે પણ ચેતવણી રૂપ છે. આ ગરમી ભલે કુદરતી પરિબળોને કારણે પણ હોય, પરંતુ નિષ્ણાતોએ ચેતવણી આપી જ છે કે પૃથ્વીના વધી રહેલા તાપમાનને કારણે અણધાર્યું અને ભારે હવામાન વધુ વારંવાર જોવા મળી રહ્યું છે. અને આથી જ અતિ ભયાનક સંજોગો સર્જાય તે પહેલા ગ્લોબલ વૉર્મિંગ અંકુશમાં લેવા માટે ગંભીર પ્રયાસો કરવાની જરૂર છે.

Most Popular

To Top