૨૧મી સદીમાં પણ દીકરીઓનાં અપમૃત્યુના સમાચાર ઓછા થતા નથી. મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ ૭૪.૬ ટકા અને ઉચ્ચ શિક્ષણમાં ૩૦ ટકા સુધી પહોંચ્યું છે પણ ભણેલી ગણેલી દીકરીઓની પણ સાસરિયાં દ્વારા હત્યા થાય અથવા તો આત્મહત્યા માટે મજબુર થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું જ રહે છે. શિક્ષણથી ઘરેલું હિંસા બંધ નથી થઇ, કારણકે દીકરીઓને તો એવું જ શીખવવામાં આવે છે કે જિંદગીનું અંતિમ ધ્યેય તો લગ્ન જ છે. આત્મસન્માનના ભોગે પણ લગ્નને ટકાવી રાખવા જ ‘સંસ્કાર’ગણાય! આવું જ હાલમાં દેશભરમાં ચર્ચા ઊભી કરનાર ત્વિષા શર્માના કેસમાં જોવા મળી રહ્યું છે.
માતા-પિતા જેને હત્યા કહે છે એને સાસરિયાં આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. હકીકત જે હોય એ, સત્ય એ છે કે એક આશાસ્પદ દીકરીનો સમાજનાં જડ મૂલ્યોએ ભોગ લીધો – સાસરિયાંઓએ માનસિક ત્રાસ આપીને અને માતા-પિતાએ ‘પડ્યું પાનું નિભાવી’ની વૃત્તિ રાખીને. ૩૩ વર્ષની ત્વિષા, ૧૨ મેની રાત્રે ભોપાલ સ્થિત તેના સાસરિયાંના ઘરે મૃત હાલતમાં મળી આવી. એમ.બી.એ.ની ડીગ્રી ધરાવતી, સાથે અભિનેત્રી-મોડેલિંગનું કામ કરી ચૂકેલી ત્વિષાનાં લગ્ન હજુ ૨૫ ડિસેમ્બરે જ સમર્થસિંહ સાથે થયાં હતાં. પતિ વ્યવસાયે વકીલ અને સાસુ જિલ્લા કચેરીમાં ન્યાયાધીશ રહી ચૂક્યાં હોય એવો પરિવાર. એટલે કુટુંબને ભણેલું ગણેલું તો કહી શકાય.
લગ્ન કરાવતી વખતે મા-બાપે પણ કદાચ એ જ જોયું હશે. પણ શું એનાથી એમની માનસિકતામાં સુધાર આવ્યો? ત્વિષાનાં માતા-પિતાએ સમર્થસિંહ અને તેમની માતા ગિરિબાલા સામે માનસિક હેરાનગતિ તથા આર્થિક માંગણીઓના આક્ષેપો કર્યા છે જે કારણે ત્વિષા અનેક વાર પિયર પાછી પણ આવી હતી! સામે ડિસ્ટ્રીક્ટ જજ રહી ચૂકેલાં ગિરિબાલા સિંઘે મીડિયાને ઈન્ટરવ્યુ આપવાનું શરૂ કર્યું, જેમાં ત્વિષાના ચારિત્ર્ય અંગે ગંભીર ટીપ્પણી કરી. ત્વિષાને સીઝોફ્રેનીયા અને બે વ્યક્તિત્વ ધરાવનાર જેવી માનસિક બીમારીથી પીડાતી વ્યક્તિ ગણાવવાથી શરૂ કરીને એના લગ્નેતર સંબંધ, ગર્ભાવસ્થા દરમિયાન પણ નશીલા પદાર્થોનું સેવન કરનાર, ગર્ભપાત કરાવી તેમનાં દાદા-દાદી બનવાનો આનંદ છીનવી લેનાર, રહસ્યમય ગાડી અને ફ્લેટ ધરાવનાર, જેવા એકેય આક્ષેપો બાકી ના રાખ્યા.
તેમણે એવી પણ ધારણા વહેતી કરી કે ત્વિષાનાં માતા-પિતાએ બાળપણથી જ તેને ગ્લેમર ઉદ્યોગમાં ધકેલી દીધી, એનું આર્થિક શોષણ કર્યું અને પિતા ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં કામ કરતા હતા એટલે શક્ય છે કે પોતાની દીકરીને જ નશીલા પદાર્થો આપતા હોય! એમનું તારણ એ હતું કે ત્વિષા ‘ઉદારવાદી વિચારો’ ધરાવતી હતી અને તે પ્રાર્થના પણ કરતી નહોતી!!! બોલો, છે ને એક સ્ત્રીને ચરિત્રહીન ચીતરવા માટે પૂરતો મસાલો? પછી, ત્વિષા કયાં અને કેવી રીતે મૃત્યુ પામી એ અંગે જવાબ આપવાની જરૂર કયાં રહી?
સમર્થ સિંહ શા માટે ભાગતો ફરતો હતો? પોલીસ ત્વિષાનાં મા-બાપની ફરિયાદ કેમ નો’તી લેતી? આ પ્રશ્નો તો ગૌણ બની ગયા! કોઈ પણ સ્ત્રી આજ્ઞાકારી, શાંત અને ઘરેલુ હોવાની આદર્શ છબીમાં બંધબેસતી ના હોય તો વાંક એ સ્ત્રીનો જ ગણાય એવું સાબિત કરવું હજુ પણ સહેલું છે એ ગિરિબાલા સિંહ બરાબર સમજે છે, અને મૃત વ્યક્તિ હવે બચાવ કરવા આવવાની પણ નથી. ‘ઘર’ અને ‘કુટુંબ’ સલામતીના પર્યાય હોવા જોઈએ. પણ, દુર્ભાગ્યે ઘણી સ્ત્રીઓ માટે આ વાત સાચી નથી. ઘરેલું હિંસા ભયાનક સ્વરૂપે વ્યાપક છે જે ઘણી વાર હત્યા કે આત્મહત્યામાં પરિણમે છે.
ત્વિષા ઉપરાંત નોઈડાની દીપિકા નાગર, નાગપુરની એક નવોઢા, લખનૌની શ્વેતા સિંહ, બેન્ગ્લુરુની લક્ષ્મી પ્રિયા, બિજનોરની ગુલસિતાં…. આ તો માત્ર મે – ૨૦૨૬માં જેમનાં અપમૃત્યુની વર્તમાનપત્રોએ નોંધ લીધી હોય એવા કિસ્સા છે. ૨૦૨૪માં ૨૨૧૧૩ ગૃહિણીઓએ આત્મહત્યા કરી, ૫૭૩૭ સ્ત્રીઓની દહેજ માટે હત્યા થઇ, ૧૫૪૮૯ સ્ત્રીઓએ દહેજ માટે સતામણીની ફરિયાદ કરી. બહુ જ ઓછી સ્ત્રીઓ પોતાના પતિ અને સાસરિયાંઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવે છે એટલે પ્રશ્નની ગંભીરતા આ આંકડામાં દેખાય છે એનાથી ઘણી વધારે છે. સામાજિક દબાણ હેઠળ દીકરીને સાસરે પાછી વળવાનું કહેનાર મા-બાપે આ વાત સમજવી પડશે. સાસરિયામાં નવાં કુટુંબીજનો સાથે ગોઠવાવા માટે દાળ-શાકના સ્વાદનો ફરક સ્વીકારવો પડે પણ, આત્મસન્માન સાથે બાંધછોડ ના થાય એટલો વિશ્વાસ તો દીકરીને આપવો જ પડે.
ગિરિબાલા સિંહ થોડો અતિરેક કરી ગયાં. સ્ત્રીવિરોધી નિવેદનો કરી મીડિયાને એમણે ખૂબ મસાલો આપ્યો અને મીડિયા ટ્રાયલ શરૂ થઇ ગયું. ડિસ્ટ્રીક્ટ જજ રહી ચૂકેલી વ્યક્તિની જો આ માનસિકતા હોય અને એ જો કેસને અવરોધવાનો પ્રયત્ન કરતી હોય તો એમને એમના કાર્યકાળ દરમ્યાન કેવા ચુકાદા આપ્યા હશે એવો સવાલ તો થાય. કદાચ એટલે જ સુપ્રીમ કોર્ટનું પણ કેસ તરફ ધ્યાન ગયું અને કોર્ટે સુઓ મોટો નોંધ લીધી. સોમવારે જ્યારે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઇ ત્યારે સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જે કહ્યું એ જ આ કેસનો નૈતિક સાર છે કે – “એક મૃત દીકરી હોવા કરતાં એક છૂટાછેડા લીધેલી દીકરી હોવી વધુ સારું છે!”
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.