Columns

જીવનનું સૌથી મોટું રિસ્ક

‘લાઈફ ઇસ રિસ્ક. જીવન જોખમોથી ભરેલું છે. કંઈ પણ નવી શરૂઆત કરવામાં તેમાં નિષ્ફળ જવાનો ભય અને નુકસાન જવાનો ખતરો રહેલો જ છે.’ સ્પીકરે જણાવ્યું અને કહ્યું, ‘આજે આપણે જીવનમાં બધાં જોખમો વિષે તો વાત કરીશું અને હું તમને જણાવીશ કે જીવનમાં સૌથી મોટું જોખમ કયું છે અને તેનાથી તો હંમેશા ચેતતા રહેવું જોઈએ.’ શ્રોતાઓ સ્પીકરને સાંભળી રહ્યા હતા. સ્પીકરે આગળ કહ્યું, ‘તમારા મનમાં રહેલા જીવનનાં ત્રણ સૌથી મોટાં જોખમો તમારી સામે રહેલી ચિઠ્ઠીમાં લખી નાખો.’ બધાએ પોતાના મનમાં રમતાં જોખમો લખ્યા …જીવનમાં અણધાર્યા મોતનું જોખમ… એકસીડન્ટ… ધંધામાં નુકસાન … નોકરી છૂટી જવી … ખરાબ જીવનસાથી … અણગમતા સંબંધો …આવાં તો કેટલાં બધાં જોખમો બધાએ લખ્યાં.

સ્પીકરે આગળ કહ્યું, ‘આપણા બધાનું જીવન જોખમોથી ભરેલું છે જ અને અણધારી મુસીબતો કઈ તરફથી આવશે તેની આપણને ખબર પણ હોતી નથી અને આપણે બધા એ હકીકત પણ જાણીએ છીએ કે તમે જે લખ્યાં છે આ બધાં જોખમોની વચ્ચે જ આપણું જીવન છે અને આ બધાં દૂર કરવા આપણા હાથમાં નથી.આ જીવનનાં જોખમોથી ડરીને આપણે જીવવાનું છોડી દેતાં પણ નથી.જે જોખમો આપણે દૂર કરી શકવાના નથી તેની વાત કરવાથી તો માત્ર ડર જ વધશે એટલે તેના વિષે નહિ પણ હું તમને જીવનના સૌથી મોટા એવા જોખમની વાત કરવાનો છું, જે આપણે દૂર કરી શકીએ છીએ.’

બધા શ્રોતાઓ એવું કયું જોખમ જે સૌથી ‘મોટું જોખમ’ છે છતાં આપણે દૂર કરી શકીએ છીએ તે વિષે જાણવા આતુર બન્યાં.સ્પીકરે કહ્યું, ‘ આ અણધારી જોખમોથી ભરેલી જિંદગીમાં એક જોખમ એવું છે જે આપણે બધાએ કોઇ પણ રીતે તેને જીવનમાંથી દૂર કરવું જોઈએ એ જોખમ છે કે જીવનમાં કૈંક ખરાબ થશે… નુકસાન થશે …સફળતા નહિ મળે …લોકો હાંસી ઉડાડશે વગેરે કાલ્પનિક કારણોથી ડરી જઈને ‘કંઈ ન કરવું’ જીવનનું સૌથી મોટું રિસ્ક છે.

કોઇ પણ કામ કરવાની શરૂઆત જ ન કરવી.કામ શરૂ કરશો જ નહિ તો જોખમોનો સામનો નહિ કરવો પડે પણ કામ જ શરૂ નહિ કરો એમ જ બેસી રહેશો એ સૌથી મોટું જોખમ છે.જીવનમાં ઘણાં બધાં જોખમો એવાં છે જેને દૂર કરવાં આપણા હાથ બહારની વાત છે પણ કોઇ પણ કામ સાચી લગન અને મહેનતથી કરવું તે તો માત્ર આપણા હાથની જ વાત છે. તે તો આપણે કોઈ કામ ન કરીએ અને કંઈ કર્યા વિના બેસી રહીએ એ તો સૌથી મોટું જોખમ છે.’ સ્પીકરે નાનકડી વાત પણ મહત્ત્વની વાત અસરકારક રીતે સમજાવી.- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top