પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન રાજકીય તણાવ વધતો જોવા મળી રહ્યો છે. સોમવારે હુગલી જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની સાંસદ મિતાલી બાગની કાર પર હુમલો થયો હતો. આ ઘટનાએ રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. TMC એ આ હુમલાનો આરોપ ભાજપના સમર્થકો પર મૂક્યો છે. મળતી માહિતી મુજબ, મિતાલી બાગ ગોગહાટથી આરામબાગ જઈ રહ્યા હતા. તેઓ TMC ના નેતા અભિષેક બેનર્જીના રોડ શોમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. એ દરમિયાન ગોગહાટ વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા તેમની કારને નિશાન બનાવવામાં આવી. હુમલાખોરોએ કાર પર ઈંટો, પથ્થરો અને લાકડીઓ ફેંકી હતી. આ હુમલાના કારણે કારના કાચ તૂટી ગયા અને કારને નુકસાન થયું. આ હુમલામાં મિતાલી બાગ અને તેમના ડ્રાઇવર બંનેને ઇજા પહોંચી હતી. ત્યારબાદ બંનેને તરત જ આરામબાગ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. TMC એ આ ઘટનાને ગંભીર ગણાવી છે અને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પાર્ટીએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે ગૃહમંત્રી અમિત શાહે પહેલા ધમકી આપી હતી કે લોકો જો ઘરમાંથી બહાર આવશે તો તેમને સજા આપવામાં આવશે. TMC નો દાવો છે કે આ પ્રકારની વાતો પછી જ આ હુમલો થયો છે.
બીજી તરફ ભાજપ તરફથી આ આરોપો અંગે સત્તાવાર રીતે કોઈ મોટી પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ રાજકીય વાતાવરણમાં આ મુદ્દે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે ઉત્તર 24 પરગણા જિલ્લામાં એક મોટી રેલી સંબોધી હતી. પોતાના ભાષણમાં મોદીએ કહ્યું કે આ ચૂંટણી બંગાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી બંગાળની દિશા અને દશા બદલશે. પી.એમ મોદીએ વધુમાં કહ્યું કે આ ચૂંટણી માત્ર પશ્ચિમ બંગાળ માટે નહીં, પરંતુ સમગ્ર પૂર્વ ભારતના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. તેમણે ઈતિહાસનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે અંગ, બંગ અને કલિંગ (આજના બિહાર, બંગાળ અને ઓડિશા) ભારતના વિકાસના મુખ્ય કેન્દ્ર હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશને વિકસિત બનાવવા માટે આ વિસ્તારોનું મજબૂત બનવું જરૂરી છે. આ પહેલાં પણ બંગાળમાં રાજકીય હિંસાની ઘટનાઓ સામે આવી છે. રવિવારે રાત્રે, જગદલ વિસ્તારમાં પીએમ મોદીની રેલી પહેલા ભાજપ અને TMCના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન પથ્થરમારો, ગોળીબાર અને દેશી બોમ્બ ફેંકવાના બનાવો બન્યા હતા. આ હિંસામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા અને એક CISF જવાનને પણ ગોળી વાગી હતી.
હાલમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ ચાલી રહ્યો છે. બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે. તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની સંપૂર્ણ તાકાત ઝૂકી દીધી છે અને મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજે પણ ઘણા મોટા નેતાઓના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગૃહમંત્રી અમિત શાહે બે રોડ કર્યા. પહેલો રોડ શો બેહાલા વિસ્તારમાં અને બીજો હુગલી જિલ્લાના ચંદનનગરમાં થયો હતો.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આજે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેઓએ જાધવપુર વિસ્તારમાં જાહેર સભાને સંબોધન કર્યું હતુંય વડાપ્રધાન મોદીએ રવિવારે કોલકાતામાં પોતાના રોડ શો પહેલા પ્રસિદ્ધ થંથાનિયા કાલીબારી મંદિરમાં જઈને મા કાલીના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. હાલ, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ખૂબ જ સ્પર્ધાત્મક અને તણાવપૂર્ણ બની ગઈ છે. રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ અને હિંસાની ઘટનાઓથી વાતાવરણ વધુ ગરમ બનતું જઈ રહ્યું છે. હવે લોકોની નજર આગામી મતદાન અને તેના પરિણામો પર છે.