સચીન પેટ્રોલિયમની આવક કરતાં બમણાથી વધુ નાણાકીય લેવડદેવડ સામે આવતા પોલીસ ફરી સક્રિય, ગુજસી ટોક કોર્ટએ ખાતાં ડિ-ફ્રીઝ કરવાની અરજી ફગાવી
વડોદરા, તા.27 :
વડોદરામાં ગુજસી ટોક હેઠળ ચાલી રહેલી તપાસ દરમિયાન રતનપુરના લિસ્ટેડ બુટલેગર રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલના પરિવાર સાથે સંકળાયેલા સચીન પેટ્રોલિયમના ત્રણ બેંક ખાતાઓમાં રૂ.40.42 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવતા પોલીસ ફરી સક્રિય બની છે. બુટલેગરની પત્ની અને ભાભી દ્વારા ફ્રીઝ કરાયેલા ખાતાં ડિ-ફ્રીઝ કરવા માટે સ્પેશિયલ GujCTOC કોર્ટમાં કરાયેલી અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે.
ડભોઇ રોડ પર આવેલા રતનપુર ગામમાં મોટા પાયે દારૂનો ધંધો ચલાવતા લિસ્ટેડ બુટલેગર રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ સહિત તેની પત્ની, પુત્ર અને અન્ય મળી કુલ પાંચ લોકો સામે વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન બુટલેગરની પત્ની સીમાબેન જયસ્વાલ અને ભાભી કવિતાબેન જયસ્વાલની સંયુક્ત માલિકી ધરાવતા સચીન પેટ્રોલિયમના નાણાકીય વ્યવહારો તપાસના ઘેરામાં આવ્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ વર્ષ 2022થી 2024 દરમિયાન સચીન પેટ્રોલિયમ દ્વારા નાયરા કંપની પાસેથી અંદાજે 14.93 લાખ લીટર ડીઝલ અને 7.70 લાખ લીટર પેટ્રોલની ખરીદી કરવામાં આવી હતી. જેના આધારે ઇંધણ વેચાણથી અંદાજે રૂ.19.83 કરોડની આવક થતી હોવાનું સામે આવ્યું છે.
જોકે તપાસ દરમિયાન SBI, ભારત કો-ઓપરેટિવ બેંક અને HDFC બેંકના ત્રણ અલગ-અલગ ખાતાઓમાં રૂ.40.42 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા હોવાનું બહાર આવતા આવક અને બેંક વ્યવહારો વચ્ચે મોટો તફાવત સામે આવ્યો હતો. જેના કારણે પોલીસે આ વ્યવહારોને શંકાસ્પદ ગણાવી વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ દરમિયાન બુટલેગરની પત્ની અને ભાભીએ ફ્રીઝ કરાયેલા ખાતાં ડિ-ફ્રીઝ કરવાની માંગ સાથે સ્પેશિયલ GujCTOC કોર્ટમાં અરજી કરી હતી. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે ખાતાં ભાગીદારીના વ્યવસાય માટે ઉપયોગમાં લેવાતા હોવાથી તેનો ગુનાથી સીધો સંબંધ નથી અને તેમાં કોઈ ગુનાહિત રકમ જમા થઈ નથી. ખાતાં ફ્રીઝ રહેતાં વ્યવસાય પર પ્રતિકૂળ અસર પડી રહી હોવાનું જણાવી તેને મુક્ત કરવા વિનંતી કરવામાં આવી હતી.
જોકે તપાસ પક્ષે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપીઓ સામે GujCTOC એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તપાસ દરમિયાન મોટી રકમના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. અરજદારો આ રકમના કાયદેસર સ્ત્રોત અંગે સંતોષકારક માહિતી આપી શક્યા નથી. તેથી તપાસ અધિકારીને ખાતાં જપ્ત રાખવાનો કાયદેસર અધિકાર હોવાનું કોર્ટને જણાવાયું હતું.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ જજે હાલની પરિસ્થિતિમાં બેંક ખાતાં ડિ-ફ્રીઝ કરવું યોગ્ય નહીં હોવાનું નોંધ્યું હતું અને અરજી નામંજૂર કરી હતી. સાથે જ કોર્ટે આ હુકમની નકલ GujCTOC રેકોર્ડમાં મુકવાનો આદેશ પણ કર્યો હતો.