કોંગ્રેસ કાર્યકરો કોલેજ બહાર ભેગા થયા, પોલીસને સમજાવટ માટે દોડધામ
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતપેટીઓ સલામત હોવા છતાં રાતભર વોચ રાખવાની જીદ
ગુજરાત મિત્ર ન્યુઝ, ડભોઇ
ડભોઇ નગરપાલિકા ચૂંટણીના વોર્ડ નં. 04માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ વચ્ચે આજ વોર્ડના કેટલાક કોંગ્રેસ કાર્યકરોએ કોલેજ બહાર ભેગા થઈ ઈ.વી.એમ. ચોરાયા હોવાની મનઘડત વાતને લઈને હોબાળો મચાવ્યો હતો. સ્થળ પરથી એકબીજાને ફોન કરીને ટોળું ભેગું કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ટોળાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ઈ.વી.એમ. સ્ટ્રોંગ રૂમમાં સીલબંધ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત હોવા છતાં આ સમગ્ર બાબત અફવા હોવાનું બહાર આવ્યું હતું.

“વા વાયો ને નળ્યું ખસ્યું એમ જોઈ કૂતરું ભસ્યું” કહેવતને યથાર્થ ઠેરવતો બનાવ ડભોઇમાં બન્યો છે. ડભોઇ નગરપાલિકાની નવ વોર્ડની કુલ 36 બેઠકો માટે તા. 26 એપ્રિલે મતદાન યોજાયું હતું. જેમાં વોર્ડ નં. 04માં કોંગ્રેસ અને ભાજપની પેનલ વચ્ચે ઇતિહાસમાં પ્રથમવાર ગળાકાપ સ્પર્ધાનું વાતાવરણ સર્જાયું હતું. મુસ્લિમ બહુમતી ધરાવતા આ વોર્ડમાં રાજકીય વિશ્લેષકો દ્વારા પ્રથમવાર ભાજપની પેનલને અભૂતપૂર્વ જીત મળે તેવા અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.
આ દરમિયાન મતગણતરી સ્થળે સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુકાયેલી મતપેટીઓ ચોરાઈ હોવાની અફવા ફેલાવવામાં આવી હતી. જેના કારણે કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારોએ એકબીજાને ફોન કરીને કોલેજ નજીક ભેગા થવાનું શરૂ કર્યું હતું અને જોતજોતામાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને લઈ પોલીસે હોબાળો કરનારા કાર્યકરોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. છતાં જીદ પર અડગ રહેલા કેટલાક કાર્યકરોએ શંકા વ્યક્ત કરી રાતભર વોચ રાખવાની જીદ દાખવી હતી. જોકે સમગ્ર ઘટનામાં કોઈ તથ્ય બહાર આવ્યું નથી.
રિપોર્ટર: સઈદ મનસુરી, ડભોઇ