વધતી ગરમી વચ્ચે વીજ લાઇન જાણે ‘સળગી’ ઊઠી: ભયાનક અવાજો સાથે શોર્ટ સર્કિટ થતા લોકો જીવ બચાવવા રસ્તા પર દોડી આવ્યા
વડોદરા: શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે વીજ ઉપકરણો પર ભાર વધતા શોર્ટ સર્કિટના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક ભયાનક ઘટના વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડાના મકાનો પાસે સામે આવી છે, જ્યાં વીજ લાઈનમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આસપાસના રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

કિશનવાડી વિસ્તારમાં વુડાના આવાસો પાસે પસાર થતી વીજ લાઈનમાં અચાનક જોરદાર ધડાકા સાથે શોર્ટ સર્કિટ થયો હતો. જોતજોતામાં વીજ થાંભલા પરથી આગના તણખા નીચે પડવા લાગ્યા હતા, જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ થંભી ગયા હતા. શોર્ટ સર્કિટનો આ બનાવ એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને વીજળીના લબકારા જોઈને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, દિવસેને દિવસે વધતી ગરમીને કારણે વીજ વપરાશમાં વધારો થયો છે, જેને પગલે લાઈનો પર લોડ વધતા આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન છે. સદનસીબે આ ઘટના સમયે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસના મકાનોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકોએ ગરમીમાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ઘટનાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં પણ કેદ થયા હતા, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે વીજ લાઈનોમાં શોર્ટ સર્કિટને કારણે તણખા ઝરી રહ્યા છે. વીજ કંપની દ્વારા ત્વરિત પગલાં ભરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.