સુરતમાં 1308 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો થશે ફેંસલો, સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ
રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે મંગળવારે પરિણામો જાહેર થવાના છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે થયેલા મતદાન બાદ હવે તમામની નજર મતગણતરી પર ટકી છે. બપોર સુધીમાં મોટાભાગના પરિણામો જાહેર થઈ જશે તેવી શક્યતા છે.
આ ચૂંટણીમાં રાજ્યભરમાં કુલ 10 હજારથી વધુ બેઠકો માટે મતદાન થયું હતું, જેમાંથી 738 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. બાકીની બેઠકો માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.
સુરતમાં 1308 ઉમેદવારોના ભવિષ્યનો થશે નિર્ણય
સુરત શહેર અને સુરત જિલ્લામાં કુલ 1308 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો આજે નિર્ણય થશે, તેમાં સુરત મહાનગર પાલિકાના 30 વોર્ડમાં 483 ઉમેદવારો ચાર નગર પાલિકાઓ માં 224 ઉમેદવારો (બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડી)
જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 88 ઉમેદવારો
તાલુકા પંચાયતની બેઠકો માટે 513 ઉમેદવારો મેદાનમાં છે,
અહીં થશે મતગણતરીની પ્રક્રિયા
સુરત મહાનગરપાલિકાની મતગણતરી મજૂરા ગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવશે, જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
નગરપાલિકાઓ માટે મતગણતરી સંબંધિત વિસ્તારોની નિર્ધારિત શાળાઓમાં હાથ ધરાશે.
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે મતગણતરી વિવિધ તાલુકાકક્ષાના કેન્દ્રો પર યોજાશે, જેમાં ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડા સહિતના કેન્દ્રોનો સમાવેશ થાય છે.
પરિણામો બદલશે સ્થાનિક રાજકારણના સમીકરણો?
મતદાન પૂર્ણ થયા બાદ તમામ EVM મશીનો સીલ કરી સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવ્યા હતા. આજે પરિણામ જાહેર થતાં અનેક ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય થશે.સ્થાનિક રાજકારણ માટે મહત્વપૂર્ણ ગણાતી આ ચૂંટણીના પરિણામો શહેર અને જિલ્લામાં રાજકીય સમીકરણોમાં ફેરફાર લાવે છે કે નહીં તે અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.