Charchapatra

શિક્ષક શિક્ષણનો શિલ્પી કે સરકારી કામનો ‘મલ્ટીટાસ્કર’?

પ્રવર્તમાન સમયમાં શિક્ષકની ભૂમિકા વર્ગખંડ કરતાં વધુ સરકારી કામોમાં જોવા મળે છે. BLO ફરજ, મતદાર યાદી સુધારણા, વસ્તી ગણતરી અને બાકી રહ્યું હતું ત્યાં હવે તો કૂતરા ગણતરી જેવી કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવે છે. કેટલીક સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે શિક્ષકોનો અંદાજે ૩૦% થી ૪૦% સમય આવી બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જ વીતે છે. પરિણામે અઠવાડિયામાં ૨–૩ દિવસ શૈક્ષણિક કાર્ય સીધું અસરગ્રસ્ત બને છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સરકાર શિક્ષકોને ‘મલ્ટીટાસ્કિંગ કર્મચારી’ ગણે છે?

જો શિક્ષક ફોર્મ ભરવામાં, યાદીઓ સુધારવામાં અને ગણતરીમાં જ વ્યસ્ત રહેશે, તો બાળકોમાં જ્ઞાનનો વિકાસ કોણ કરશે? વધુ ચિંતાજનક બાબત એ છે કે સમાજ પણ આ મુદ્દે મૌન રહીને જાણે આ પરિસ્થિતિને સ્વીકારી બેઠો છે. જો ખરેખર શિક્ષણની ગુણવત્તા સુધારવી હોય, તો આવી કામગીરી માટે યુવા બેરોજગારોની નિમણૂક કરવી જોઈએ. આમ કરવાથી શિક્ષકોને શિક્ષણ માટે પૂરતો સમય મળશે અને યુવાનોને રોજગારનો માર્ગ મળશે; દ્વિગુણ લાભકારી વ્યવસ્થા બની શકે. નહિ તો આવતી પેઢી ‘જ્ઞાન’ કરતાં ‘ગણતરી અને કાગળકામ’માં વધુ નિષ્ણાત બની જશે, અને શિક્ષણ માત્ર આંકડાઓમાં જ સીમિત રહી જશે.
સુરત – પ્રા. સાગર અનિલભાઈ ગાંધી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top