Dahod

દાહોદ APMCમાં ₹1.46 કરોડની ફિલ્મી લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

પોલીસની ગાડી સાથે બાઈક અથડાતા ત્રણ લૂંટારૂ નાળામાં પટકાયા, ઝડપાયા
ફરાર ત્રણ આરોપીઓની શોધખોળ તેજ, કરોડોની મત્તા અંગે પૂછપરછ શરૂ

દાહોદ,
દાહોદ શહેરના ધમધમતા એપીએમસી માર્કેટ વિસ્તારમાં દિવસદાઢે થયેલી ₹1.46 કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસની ઝડપી કાર્યવાહી દરમિયાન નાસી રહેલા લૂંટારૂઓની બાઈક પોલીસની ગાડી સાથે અથડાતા ત્રણ આરોપીઓ ઇજાગ્રસ્ત હાલતમાં ઝડપાઈ ગયા હતા, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર થતા તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ દાહોદ શહેરમાં પોલીસ ચોકી પાસે આવેલી બાબુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓ રજુભાઈ પટેલ અને નરેન્દ્રસિંહ સોલંકી મોપેડ પર આશરે ₹1.41 કરોડની રોકડ તેમજ અંદાજે ₹5 લાખના સોનાના દાગીના લઈને ગોધરા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સાંજે પાંચ વાગ્યાના સુમારે એપીએમસી માર્કેટ નજીક આવેલા વેરહાઉસ પાસે નંબર પ્લેટ વગરની બે બાઈક પર આવેલા છ શખ્સોએ હુમલો કરી કરોડોની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી જગદીશ ભંડારી, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરી તમામ પ્રવેશ અને બહારના માર્ગો પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી.
તે દરમિયાન તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે જાલદ ગામના રેલવે અંડરબ્રિજ પાસે નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસે જોઈ લૂંટારૂઓ બાઈક પર ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અચાનક તેમની બાઈક પોલીસની ગાડી સાથે અથડાતા ત્રણેય આરોપીઓ રોડ સાઇડના નાળામાં પટકાયા હતા.
પોલીસે ગળલિયાવાડના અતુલ મહેશ ભુરીયા, ખરજના પરમેશ્વર પલાશ અને માંડવવાના ગોવિંદ મોહનિયાને ઇજાગ્રસ્ત હાલતમાં નંબર પ્લેટ વગરની બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસ ઝડપાયેલા આરોપીઓ પાસેથી મુદ્દામાલ અને લૂંટ અંગે વધુ પૂછપરછ કરી રહી છે તેમજ ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ :

Most Popular

To Top