Charotar

આણંદ જિલ્લામાં મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ ખોલાયા, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ

પ્રતિનિધિ આણંદ તા 28

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બાદ આજે મતગણતરીની પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. કરમસદ આણંદ મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત બેઠકો તેમજ 6 નગરપાલિકાની બેઠકો માટે મતગણતરી હાથ ધરાઈ છે.
જિલ્લાના વિવિધ સ્થળોએ નક્કી કરાયેલા મતગણતરી કેન્દ્રો ખાતે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સ્ટ્રોંગ રૂમમાંથી ઇવીએમ મશીનોને કડક દેખરેખ હેઠળ બહાર કાઢીને મતગણતરી હોલ સુધી લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટણી અધિકારીઓ તેમજ પોલીસ તંત્ર સતત સતર્ક જોવા મળ્યું હતું.
મતગણતરીની શરૂઆત પહેલાં તમામ પક્ષોના ઉમેદવારો અને તેમના એજન્ટોની હાજરીમાં જરૂરી માર્ગદર્શિકા અને નિયમોની માહિતી આપવામાં આવી હતી. પારદર્શકતા જળવાઈ રહે તે માટે દરેક ટેબલ પર સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
મતગણતરીની પ્રક્રિયામાં સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ ઇવીએમ મશીનના મતની ગણતરી હાથ ધરાશે. પ્રારંભિક તબક્કામાં જ પરિણામોને લઈને રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
આણંદ જિલ્લામાં આ ચૂંટણીને લઈ અગાઉથી જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, ત્યારે હવે મતગણતરી બાદ કયા પક્ષને બહુમતી મળશે તે અંગે ચિત્ર સ્પષ્ટ બનશે. જિલ્લા વાસીઓ અને ઉમેદવારોમાં પરિણામોને લઈને ભારે આતુરતા વ્યાપી છે.

Most Popular

To Top