પંચાયત પરિણામ : ગામડાંમાં કોણ પહેરશે સત્તાનો તાજ?
ગુજરાતમાં 26 એપ્રિલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની મહત્વપૂર્ણ ચૂંટણી બાદ આજે 28 એપ્રિલે રાજ્યભરમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત સહિતના પરિણામો પર સૌની નજર છે. રાજકીય વિશ્લેષકો આ ચૂંટણીને આવનારી વિધાનસભા માટેની સેમી ફાઇનલ તરીકે જોઈ રહ્યા છે, જેના કારણે દરેક પક્ષ માટે આ પરિણામ અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે.
જિલ્લા પંચાયતની કુલ 34 સંસ્થાઓમાં 1090 બેઠકોમાંથી 52 બેઠકો બિનહરીફ રહી હતી, જ્યારે 1038 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ માટે કુલ 3059 ઉમેદવારો મેદાનમાં હતા. બીજી તરફ તાલુકા પંચાયતની 260 સંસ્થાઓમાં 5234 બેઠકો માંથી 2 બિનહરીફ અને 2 બેઠકો પર ઉમેદવારી ન ભરાતા 4976 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં 13,871 ઉમેદવારો વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે.
મતદાન ટકાવારી પણ ખાસ નોંધપાત્ર રહી છે. જિલ્લા પંચાયતોમાં 61.69% અને તાલુકા પંચાયતોમાં 62.38% મતદાન નોંધાયું છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોના વધતા ઉત્સાહને દર્શાવે છે. હવે પ્રશ્ન એ છે કે ગામડાઓમાં સત્તાનો તાજ કોના શિરે જશે, તેનો જવાબ આજે મતગણતરી પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થઈ જશે.