વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંના એક એવા ઈરાન માટે હાલ અત્યંત ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. અમેરિકા અને ઈઝરાયેલ સાથે વધતા તણાવ અને દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાનનું તેલ નિકાસ લગભગ અટકી ગયું છે. પરિણામે, દેશમાં તેલનો જથ્થો એટલો વધી ગયો છે કે હવે તેને રાખવા માટે જગ્યા પણ ઓછી પડી રહી છે. આ પરિસ્થિતિને ‘કરો કે મરો’ જેવી સ્થિતિ તરીકે જોવામાં આવી રહી છે. ઈરાનની આર્થિક વ્યવસ્થા મોટા ભાગે તેલ પર આધારિત છે. દેશના કુલ તેલ ઉત્પાદન અને નિકાસમાંથી 90%થી વધુ ખાર્ગ આઇલેન્ડ પરથી થાય છે. અહીં લગભગ 30 મિલિયન બેરલ તેલ સંગ્રહ કરવાની ક્ષમતા છે. પરંતુ હાલ નિકાસ માર્ગ બંધ થતાં આ સ્ટોરેજ ઝડપથી ભરાઈ રહ્યું છે.
અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર નાકાબંધી કરી છે, જેના કારણે ઈરાનના ટેન્કરો આગળ જઈ શકતા નથી. સેટેલાઇટ તસવીરો મુજબ, ટેન્કરોમાં તેલ ભરાઈ રહ્યું છે, પરંતુ તે આગળ વધીને અન્ય દેશોમાં પહોંચી શકતા નથી. આથી તેલનો જથ્થો સતત વધતો જઈ રહ્યો છે. સ્થિતિને નિયંત્રિત કરવા માટે ઈરાને હવે એક અનોખું પગલું ભર્યું છે. વર્ષોથી નકામું પડેલું લગભગ 30 વર્ષ જૂનું ટેન્કર નાશા ફરીથી સક્રિય કરવામાં આવ્યું છે. હવે તેનો ઉપયોગ દરિયામાં ફ્લોટિંગ સ્ટોરેજ તરીકે કરવામાં આવી રહ્યો છે. આનાથી જાણી શકાય છે કે ઈરાનની તેલ સંગ્રહ ક્ષમતા પર કેટલો દબાણ છે. મેરીટાઇમ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઈરાન પાસે હવે માત્ર લગભગ 13 મિલિયન બેરલ જેટલી જ સ્ટોરેજ જગ્યા બાકી છે. બીજી તરફ, રોજના લગભગ 10થી 11 લાખ બેરલ તેલનું ઉત્પાદન ચાલુ છે. જો આ જ ગતિ ચાલુ રહેશે, તો આગામી 12થી 13 દિવસમાં દેશની તમામ સ્ટોરેજની સંગ્રહ કરવાની ક્ષમતા પૂર્ણ થઈ જશે.
અહીં મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે ઈરાન તેલનું ઉત્પાદન કેમ બંધ નથી કરી શકતું? તેનું મુખ્ય કારણ ટેકનિકલ છે. જો તેલના કૂવાઓને અચાનક બંધ કરવામાં આવે, તો તેને કાયમી નુકસાન થઈ શકે છે. એટલે કે, ભવિષ્યમાં તેમાંથી ફરી તેલ કાઢવું મુશ્કેલ બની શકે છે. આથી ઈરાન માટે ઉત્પાદન ચાલુ રાખવું અનિવાર્ય બન્યું છે. જો સ્ટોરેજ સંપૂર્ણપણે ભરાઈ જશે, તો ઈરાન પાસે બે જ વિકલ્પ રહેશે. એક તો ઉત્પાદન ઘટાડવું, જે દેશની આર્થિક સ્થિતિને વધુ નબળી બનાવી શકે છે. બીજું કે કૂવાઓ બંધ કરવાનું જોખમ લેવું, જે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ પણ ચેતવણી આપી છે કે ઈરાન તેની મર્યાદાના અંતિમ સ્તરે પહોંચી ગયું છે. જો પરિસ્થિતિમાં જલ્દી સુધારો નહીં આવે, તો દેશનું અર્થતંત્ર ગંભીર સંકટમાં ફસાઈ શકે છે. હાલની સ્થિતિ ઈરાન માટે ખૂબ જ ચિંતાજનક છે. નિકાસ બંધ, સ્ટોરેજ ખાલી નહીં અને ઉત્પાદન ચાલુ, આ ત્રણે બાબતો ઈરાનને એક મુશ્કેલ ચક્રમાં ફસાવી રહી છે. હવે જો આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ઉકેલ નહીં મળે, તો આવનારા દિવસોમાં આ સંકટ વધુ ગંભીર બની શકે છે.