આમ તો નાટો સંગઠન સાથે અમેરિકી પ્રમુખ ટ્રમ્પને લાંબા સમયથી તંગદીલી ચાલી રહી છે અને તેમાં પણ હાલના ઇરાન યુદ્ધ વખતે નાટોના અન્ય સભ્ય દેશોએ અમેરિકાને સાથ નહીં આપતા ટ્રમ્પ વધુ ગિન્નાયા. નાટો દેશોમાં પણ ખાસ કરીને તેઓ બ્રિટન અને સ્પેનથી વધુ નારાજ જણાય છે. હાલમાં બ્રિટન અને સ્પેને NATO સંબંધિત એક અમેરિકન રિપોર્ટ પર વાંધો ઉઠાવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પ સરકાર આ બંને દેશોને સજા આપવા પર વિચાર કરી રહી છે. તેનું કારણ ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને ખુલ્લેઆમ સાથ ન આપવાનું છે.
એક અહેવાલ મુજબ, અમેરિકી સંરક્ષણ મંત્રાલય એટલે કે પેન્ટાગોનની અંદર અધિકારીઓ વચ્ચે એક ઈમેલ દ્વારા વાતચીત થઈ હતી, જેમાં અલગ-અલગ સંભવિત પગલાંઓ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. જેમ કે વિરોધી માનવામાં આવતા દેશોને NATO ના મહત્વના હોદ્દા પરથી હટાવવા, સ્પેન જેવા દેશની ગઠબંધનમાં ભૂમિકા મર્યાદિત કરવી અને બ્રિટનના ફોકલેન્ડ ટાપુ પરના દાવા અંગે અમેરિકાની નીતિની સમીક્ષા કરવી. જોકે, પેન્ટાગોને આ ઈમેલ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી અને આ ઈમેલ જાહેર રીતે સામે પણ આવ્યો નથી. પરંતુ આ બાબત ૫શ્ચિમી જગતના ભૂરાજકીય માહોલની રીતે ગંભીર તો ગણી શકાય. ફોકલેન્ડ ટાપુઓ પર બ્રિટનના દાવાને અમેરિકા ટેકો આપતું આવ્યું છે અને પછી તટસ્થ રહ્યું છે પણ હવે ટ્રમ્પ તે અભિગમ બદલી નાખવા માગે છે.
આમ પણ ઈરાન પર હુમલા પછીથી ટ્રમ્પ અને બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મર વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં બ્રિટને અમેરિકાને તેના એરબેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી. બાદમાં ઈરાનની વળતી કાર્યવાહી પછી બ્રિટને કેટલાક એરબેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપી, જેથી હોર્મુઝ અથવા બ્રિટિશ ઠેકાણાઓ માટે જોખમ ઊભું કરનારા ઈરાની ઠેકાણાઓ પર હુમલો કરી શકાય. જો કે, ટ્રમ્પ તેનાથી ખુશ થયા નહોતા. તેમણે બ્રિટન વિરોધી વલણ ચાલુ રાખ્યું છે. હવે તેઓ ફોકલેન્ડ ટાપુઓ બાબતે લેટિન અમેરિકન દેશ આર્જેન્ટિનાનો પક્ષ લેવાની વિચારણા કરી રહ્યા છે. આર્જેન્ટિનામાં આ સમાચારને લઈને ખુશીનો માહોલ છે.
સરકારના પ્રવક્તા જેવિયર લાનારીએ કહ્યું કે તેમનો દેશ ‘માલ્વિનાસ’ ને પાછું મેળવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યો છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે અને તેમણે પણ કહ્યું કે આ મુદ્દે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. આમ પણ લેટિન અમેરિકામાં હાલમાં આર્જેન્ટિના અમેરિકાનો મહત્વનો સમર્થક દેશ રહ્યો છે. બ્રાઝિલના પ્રમુખ લુલા ડી સિલ્વા અમેરિકાના વર્તમાન પ્રશાસનના સખત વિરોધી છે. લેટિન અમેરિકાના અનેક નાના દેશો સાથે અમેરિકાના ટ્રમ્પ પ્રશાસનને અણબનાવ છે ત્યારે હવે ટ્રમ્પ આર્જેન્ટિનાને મદદ કરીને એક કાંકરે અનેક પક્ષીઓ મારવાનું વિચારતા હોઇ શકે છે.
ફોકલેન્ડ ટાપુનો મામલો બ્રિટન અને આર્જેન્ટિના બંને માટે ઘણો મોટો મુદ્દો છે અને બંને દેશો તેના પર દાવો કરે છે. આર્જેન્ટિના આ ટાપુને ‘માલ્વિનાસ’ કહે છે. ફોકલેન્ડ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં આવેલું છે અને તે આર્જેન્ટિનાથી માત્ર 500 કિમી દૂર છે, જ્યારે બ્રિટનથી તે 13,000 કિમી દૂર સ્થિત છે. આર્જેન્ટિના ઐતિહાસિક રીતે આ ટાપુઓને પોતાના ગણાવતું આવ્યું છે કારણ કે તે તેના ભૌગોલિક વિસ્તારની નજીક છે. બીજી તરફ, બ્રિટનનું કહેવું છે કે ત્યાં રહેતા લોકો પોતાને બ્રિટિશ માને છે અને તેઓએ મતદાન દ્વારા પણ બ્રિટન સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તેથી તે તેનો પ્રદેશ છે.
1982માં આર્જેન્ટિનાએ આ ટાપુઓ પર કબજો કર્યો હતો, જેના પછી બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન માર્ગારેટ થેચરે સેના મોકલીને માત્ર 10 અઠવાડિયામાં તેને પાછા મેળવ્યા હતા. આર્જેન્ટિનાના શરણાગતિ પહેલા આ યુદ્ધમાં લગભગ 650 આર્જેન્ટિનાના સૈનિકો અને 255 બ્રિટિશ સૈનિકોનાં મોત થયા હતા. ફોકલેન્ડ ટાપુઓ લાંબા સમયથી યુનાઇટેડ કિંગડમ અને આર્જેન્ટિના વચ્ચે વિવાદનું કેન્દ્ર રહ્યા છે. યુકે 1833 થી આ ટાપુઓ પર સતત વહીવટ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ આર્જેન્ટિના તેને સ્પેન પાસેથી મળેલા ઐતિહાસિક વારસાનો ભાગ ગણાવી પોતાનો દાવો રજૂ કરે છે.
આ વિવાદના મૂળ 19મી સદીમાં રહેલા છે. આર્જેન્ટિનાના મતે, 1833 માં બ્રિટિશરોએ તેમના વસાહતીઓને ત્યાંથી હાંકી કાઢ્યા હતા, જે કૃત્ય સંપૂર્ણપણે ગેરકાયદેસર હતું. આથી જ આર્જેન્ટિના આ ટાપુઓને પોતાના પ્રદેશ તરીકે જુએ છે. તેની સામે, બ્રિટિશ સરકાર પોતાની સાર્વભૌમત્વ પાછળ બે મુખ્ય કારણો રજૂ કરે છેિ પ્રથમ, 1833થી તેમનો અવિરત વહીવટ અને બીજું, ત્યાંના સ્થાનિક લોકોની ઈચ્છા. આ સંઘર્ષે 1982 માં હિંસક વળાંક લીધો જ્યારે 2 એપ્રિલના રોજ આર્જેન્ટિનાના દળોએ ટાપુઓ પર આક્રમણ કર્યું.
આના જવાબમાં શરૂ થયેલું 74 દિવસનું યુદ્ધ 14 જૂન, 1982 ના રોજ આર્જેન્ટિનાના શરણાગતિ સાથે સમાપ્ત થયું. વર્તમાન સમયમાં ફોકલેન્ડ ટાપુઓ એક ‘સ્વ-શાસિત બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરી’ તરીકે ઓળખાય છે. 2013 માં લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ લોકશાહી જનમતમાં, ટાપુના 99.8% રહેવાસીઓએ બ્રિટિશ શાસન હેઠળ જ રહેવાની તરફેણમાં મતદાન કર્યું હતું. આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે ટાપુવાસીઓ બ્રિટિશ શાસન સાથે જોડાયેલા રહેવા માંગે છે. આમાં બ્રિટનની સમૃદ્ધિ અને મહાસત્તા તરીકેના દરજ્જા તરફનું ખેંચાણ પણ ભાગ ભજવી ગયો હોઇ શકે છે. બ્રિટિશ વિજય અને સ્થાનિક લોકોના સમર્થન છતાં, આ વિવાદ હજુ સંપૂર્ણપણે શમ્યો નથી. આર્જેન્ટિના આજે પણ આ ટાપુઓ પર પોતાનો દાવો ચાલુ રાખે છે અને વર્તમાન સ્થિતિને વસાહતી ગણાવીને તેનો વિરોધ કરે છે. હવે અમેરિકાનો ટેકો મળતા આર્જેન્ટિનાનું જોર વધી શકે છે અને આ મામલે બ્રિટનની સ્થિતિ નબળી બની શકે છે.