ડેડિયાપાડા, સાગબારા: નર્મદા જિલ્લા પંચાયતની 22 પૈકી 20 બેઠક માટેના પરિણામ મંગળવારે જાહેર થતાં જ રાજકીય ભૂકંપ સર્જાયો છે. આમ આદમી પાર્ટી (AAP)એ 14 બેઠક પર વિજય મેળવીને જિલ્લા પંચાયત પર સત્તા હાંસલ કરી લીધી છે. જ્યારે ભાજપને માત્ર 7 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. આ પરિણામ સાથે જ આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી નર્મદા જિલ્લા પંચાયત છીનવી લીધી છે. પાર્ટી માટે આ ઐતિહાસિક સફળતા માનવામાં આવી રહી છે.
ડેડિયાપાડા પંચાયતની તમામ પાંચ બેઠકો પર પણ આમ આદમી પાર્ટીએ કબજો જમાવ્યો છે. આ બેઠકોમાં ડેડિયાપાડા-1, ડેડિયાપાડા-2, મોરજડી, માલ સામોટ અને મંડાળાનો સમાવેશ થાય છે. ડેડિયાપાડામાં AAPની સાફ સફાઈએ પાર્ટીના ગ્રાસરૂટ સંગઠનની મજબૂતી દર્શાવીને નવી એન્ટ્રી કરવામાં આવી છે. સાગબારા તાલુકા પંચાયતમાં કુલ 18માંથી 13 બેઠક AAP મેળવી લીધી છે. જ્યારે સાગબારા તાલુકામાં 4 જિલ્લા પંચાયતની બેઠકો પર તમામ બેઠકોએ AAP જીતીને સામેની પાર્ટીનાં સૂપડાં સાફ કર્યાં છે. નર્મદા જિલ્લામાં સાગબારા, ડેડિયાપાડા, ચીકદા અને ગરુડેશ્વર તાલુકામાં AAPએ કબજો જમાવ્યો છે. ભાજપ સરકારે બનાવેલા નવ નિર્મિત ચીકદા તાલુકા પંચાયતમાં ભાજપને માત્ર સમ ખાવા પડે એવી એક બેઠક મળી છે. જ્યાં AAPને 15 બેઠક મળીને સામેની પાર્ટીનું સ્ટીમ રોલર ફેરવી દીધું છે.
આપના સ્થાનિક નેતાઓએ આ વિજયને જનતાનો સીધો આશીર્વાદરૂપ ગણાવ્યો છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવારોની હાર સ્થાનિક રાજકારણમાં મોટો ફેરફાર સૂચવે છે. બાકીની 2 બેઠકોના પરિણામની રાહ જોવાઈ રહી છે.