Savli

સાવલી તાલુકામાં ભાજપનો કેસરિયો ઝંડો લહેરાયો: તાલુકા, જિલ્લા અને નગરપાલિકામાં કોંગ્રેસનો કરૂણ પરાજય

તાલુકા પંચાયતની 22માંથી 19 બેઠકો ભાજપના ખાતામાં, જિલ્લા પંચાયતની તમામ 5 બેઠકો પર કબજો
નગરપાલિકાની 24માંથી 21 બેઠકો પર ભાજપનો ઝળહળતો વિજય, ઈવીએમ મુદ્દે કોંગ્રેસનો હંગામો

સાવલી:
સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સર્વત્ર વિજય મેળવી તાલુકા રાજકારણમાં પોતાનો દબદબો મજબૂત કર્યો છે. તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો જીતતા કોંગ્રેસ માત્ર 2 બેઠકો સુધી સીમિત રહી હતી, જ્યારે 1 બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ હતી. જિલ્લા પંચાયતની તમામ 5 બેઠકો પણ ભાજપે કબજે કરી હતી.

સાવલી નગરપાલિકાની કુલ 6 વોર્ડની 24 બેઠકોમાંથી ભાજપે એક બિનહરીફ સહિત કુલ 21 બેઠકો પર વિજય મેળવી કોંગ્રેસને માત્ર 3 બેઠકો સુધી સીમિત રાખી હતી. પરિણામ જાહેર થતાં ભાજપ કાર્યકરોમાં ગુલાલ ઉડાવી અને ડીજેના તાલે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

મતગણતરી સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર પ્રેમીલાબેન પટેલે તાલુકા પંચાયતની મતગણતરી દરમિયાન ઈવીએમ બદલાઈ ગયાના આક્ષેપો કર્યા હતા અને દોઢ કલાક સુધી ઈવીએમ ગાયબ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે અધિકારીઓએ તેને માનવ ભૂલ ગણાવી સ્પષ્ટતા કરતા મામલો શાંત પાડ્યો હતો. અંતે સમગ્ર મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી અને તાલુકાભરમાં ભાજપની જીતના વિજય સરઘસ નીકળ્યા હતા.

રિપોર્ટર: વિમલ પટેલ

Most Popular

To Top